વડોદરા

ક્લીન વડોદરા હેઠળ શહેર પોલીસેે હાથ ધરેલી ખાસ ઝુંબેશના પગલે નશામુક્ત વડોદરા બનાવવા માટે ક્રાઈમ બ્રાન્ચે કામગીરી હાથ ધરી છે. એ દરમિયાન યુવાનોને બરબાદ કરતા ડિઝાઈનર અને સિન્થેટીક ડ્રગ્સ એમડી જેને નશાખોરો ‘મિયાઉ’ તરીકે ઓળખે છે એના જથ્થા સાથે ન્યુ સમા રોડ ઉપર રહેતા યુવકને ઝડપી પાડયો હતો. દિવસે ને દિવસે યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે. જેને લઇને શહેર પોલીસ દ્વારા અનેક વખત વિવિધ પ્રકારના નશા પ્રેરક દ્રવ્યો રાખવારા, વેચનારા અથવા સેવન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, છતાં શહેરમાં ડ્રગ્સનો કારોબાર ચાલુ છે. ગત સાંજે પોલીસે સમા વિસ્તારના એક ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર પર ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરને ઝડપી પાડ્યો હતો.

ગુજરાત પોલીસ દ્વારા તમામ શહેરને ક્લિન બનાવવા માટે નશાના કારોબારીઓ સામે કામગીરી કરવામાં આવતી હોય છે. કેટલાક કિસ્સામાં પોલીસને મોટી સફળતા પણ મળી છે. જાે કે, પોલીસની કાર્યવાહી બાદ પણ વિવિધ પ્રકારના નશાપ્રેરક પદાર્થોનું વેચાણ હજી ચાલુ જ છે. શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે સમા વિસ્તારમાંથી ડ્રગ્સના સપ્લાયર બિલ્લાને રૂા.૧.૯૭ લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.

શહેર ક્રાઇમ બ્રાન્ચને સમા વિસ્તારમાં આવેલા ઐયપ્પા મંદિર પાસેના ગ્રાઉન્ડમાં એમડી ડ્રગ્સ લઇને આવતા ઇસમ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ગ્રાઉન્ડમાં છૂટોછવાયો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગત બપોરે ૧.૫૫ કલાકે અજાણ્યો ઇસમ ટુ વ્હીલર પર આવ્યો હતો. પોલીસે તેને ઘેરીને તેની તલાશી લેવાનું શરૂ કરી દીધું હતું.

પોલીસ તપાસમાં યુવકના ટુ વ્હીલરમાંથી એમડી ડ્રગ્સ ૧૯.૭ કિ.ગ્રા એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન વિરલ નાગરભાઇ પ્રજાપતિ ઉર્ફે બિલ્લાની ધરપકડ કરી હતી. તેણે પોલીસ તપાસમાં ડ્રગ્સ સપ્લાયર સલીમભાઇ અબ્દુલભાઇ વ્હોરા (રહે. રેલવે સ્ટેશનની પાસે, ગોત્રી તળાવની પાછળ, સુરત) પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, વાહન મળીને કુલ રૂા.૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.