વડોદરા : વડોદરા શહેરમાં રોજબરોજ વિભિન્ન કારણોસર આપઘાત કરીને જીવન ટૂંકાવી નાખવાના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે પણ વિતેલા કલાકો દરમિયાન ભેજાબાજે વ્યક્તિના એટીએમમાંથી રૂપિયા ઉપાડતી વેળાએ છેતરાયેલ માણેજા ગામના વિઠ્ઠલનગરમાં રહેતા યુવાને પોલીસની લાપરવાહીના લીધે માનસિક ડિપ્રેશનમાં આવી જઈને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવને માણેજા ગામમાં ભારે ચકચાર મચી હતી અને પોલીસની કામગીરી અને લાપરવાહીના આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર માણેજા ગામના વિઠ્ઠલનગરમાં રહેતો મુન્નાભાઈ શાહ ગઈકાલે રૂપિયાની જરૂર હોઈ તે નજીકમાં આવેલ એટીએમ સેન્ટરમાં નાણાં ઉપાડવા ગયો હતો, જ્યાં તેને એટીએમ કાર્ડ વડે નાણાં ઉપાડતાં ન આવડતાં પાછળ ઊભેલી વ્યક્તિએ મદદ કરી જરૂરિયાત રૂા.૯પ૦૦ ઉપાડી આપ્યા હતા. ભેજાબાજ વ્યક્તિએ કાર્ડ બદલીને ડુપ્લિકેટ કાર્ડ આપ્યું હતું, જે કાર્ડ લઈને તે ઘરે ગયો હતો. ત્યાર બાદ તેના એકાઉન્ટમાંથી એકસાથે રૂા.૮૦ હજાર ઉપડી જતાં મુન્નાભાઈ ચોંકી ઊઠયો હતો અને પોતે છેતરાયો અને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતાં તે મકરપુરા પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાની ફરિયાદ કરવા પહોંચ્યો હતો. આ ફરિયાદના મામલે પોલીસે મુન્નાભાઈને યોગ્ય સહકાર અને કાર્યવાહી ન કરતાં તે માનસિક ડિપ્રેશનમાં આવી ગયો હતો. માનસિક ડિપ્રેશનના આવેશમાં તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ માણેજા ગામમાં વાયુવેગે ફેલાતાં સામાજિક કાર્યકર સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા. આ અંગેની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી હતી. જાે કે, પોલીસ આવી પહોંચતાં ગ્રામજનોમાં છૂપો રોષ જાેવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે મકરપુરા પોલીસ મથકે એટીએમમાંથી રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ન હોવાના આક્ષેપો કર્યા હતા.