અમદાવાદ-

અમદાવાદમાં ફરી એક વખત એક પરિવારને રિક્ષામાં મુસાફરી કરવાનો કડવો અનુભવ થયો છે. રાજસ્થાનથી રૂપિયા ચાર લાખ ભરેલી બેગ અને સામાન લઈને ગીતા મંદિર એસ.ટી.સ્ટેન્ડથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બેગની ચેઇન ખોલી થેલો અંદરથી કાપી નાંખીને રૂપિયા ચાર લાખની ઉઠાંતરી કરવામાં આવી હોય તેવી પ્રબળ આશંકા છે. જેથી પરિવારે ખાડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.મૂળ રાજસ્થાન અને હાલમાં દાણાપીઠ રહેતા મોહનભાઈ અસરસાએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, પહેલી માર્ચે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ રાજસ્થાનથી અમદાવાદ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર ઉતર્યા હતા. જે સમયે તેમણે તેની બેગમાં ચેક કરતાં તેમની પાસે રહેલ રૂપિયા ૪ લાખ રોકડા પડ્યા હતા.

એસ.ટી સ્ટેન્ડથી ફરિયાદી તેમના માતા, બેન, બનેવી અને પુત્ર તમામ રિક્ષામા બેસીને તેમના ઘર દાણાપીઠ જઈ રહ્યા હતા. રીક્ષા ચાલકે ફરિયાદી પાસે રહેલી સામાન્યથી ૨ બેગ તેની સીટની બાજુમાં જ્યારે અન્ય એક પ્લાસ્ટિકનો થેલો પાછળની સીટ પાસે મૂક્યો હતો. જોકે, થોડેક આગળ જતાં અન્ય એક વ્યક્તિ પણ રિક્ષા ચાલકની બાજુમાં બેઠો હતો.રિક્ષા ચાલકે ફરિયાદીને દાણાપીઠ ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર ઉતાર્યા હતા.બાદમાં તેઓ બે બેગ અને બે પ્લાસ્ટિકનો થેલો લઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. થોડાક દિવસ બાદ ફરિયાદીના મોટા દીકરાને રૂપિયાની જરૂર પડતા તેણે જે બેગમાં રૂપિયા મુક્યા હતા તે બેગ તપાસતા રૂપિયા ન હોવાનું જાણવા મળ્યું હતું. અને બેગની ચેઈન ખોલી ને અંદરના ભાગેથી થેલો કાપીને ચોરી થઈ ગયેલ હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે આ સમયે ફરિયાદીની તબિયત સારી ન હોવાથી તેઓને આ બાબતની જાણ કરવામાં આવી ન હતી.આમ રિક્ષામાં ગઠિયાએ બેગની ચેઈન ખોલી અંદરથી થેલો કાપીને રૂપિયા ૪ લાખ અને આધાર કાર્ડ મુકેલ પ્લાસ્ટિકની બેગની ઉઠાંતરીની આશંકાએ ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસએ આ મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.