બોલીવૂડની મોટી મોટી ફિલ્મો કોરોનાને કારણે અટકી ગઇ છે. ઘણીખરી ફિલ્મો હવે સિનેમા હોલ નહિ ખુલવાને કારણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માંડી છે. અજય દેવગણની મેદાન પણ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી વાતો વચ્ચે હવે એ નકકી થઇ ગયું છે કે આ ફિલ્મ સિનેમા હોલમાં જ રિલીઝ થશે. અગાઉ ફિલ્મની તારીખ ૧૧ ડિસેમ્બર-૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ તારીખે ફિલ્મ રિલીઝ થઇ શકે તેમ નથી.

હવે આ ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૧માં ૧૩ ઓગષ્ટના રોજ રિલીઝ થશે. અમિત શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગણ જાણીતા ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહિમનું પાત્ર ભજવી રહ્યો છે. ઓટીટી પર ફિલ્મ આવી રહી છે એ વાતને નિર્માતાઓએ અફવા ગણાવી દીધી છે.

અજયની આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં એક સાથે રિલીઝ થશે. નિર્દેશક અમિત શર્મા અગાઉ બધાઇ હો જેવી ફિલ્મ આપી ચુકયા છે. ચાહકો અજયની આ ફિલ્મ સિનેમાઘરોમાં જ જોવા ઇચ્છતા હતાં. અજય સાથે ફિલ્મમાં પ્રિયામણી, ગજરાજ રાવ, બોમન ઇરાનીના મુખ્ય પાત્રો છે.