ચેન્નાઇ

ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે આવતી કાલ શનિવારથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ૮૭ વર્ષ બાદ ભારતમાં કોઇ એક ગ્રાઉન્ડ પર સતત બીજી ટેસ્ટ રમાશે. આ મેચમાં ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ડેબ્યુ કરી શકે છે. જ્યારે વોશિંગ્ટન સુંદરને બહાર કરવાની સંભાવના છે.

કોરોના કાળમાં આળરે ૧ વર્ષ બાદ પહેલી વાર દેશમાં ક્રિકેટ મેચ જોવા પ્રેક્ષકોને મંજૂરી અપાઇ હોવાથી એમએ ચિદમ્બરમ્‌ (ચેપોક ) સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આમ તો ટિકિટનું વેચાણ ઓનલાઇન કરાયું હતું. પરંતુ ટિકિટ લેવા સ્ટેડિયમમાં જવાનું હોવાથી ભીડ ઉમટી પડી હતી.

પ્રથમ મેચમાં ૨૨૭ રનની હારને કારણે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. તેથી બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં મહત્વના ફેરફાર થઇ શકે છે. પ્રેકટિ્‌સ સેશનમાં ખેલાડીઓની હાજરીથી સંકેત મળે છે. મેનેજમેન્ટ આ વખતે ત્રણ સ્પેશિયલ સ્પિનરોને ઉતારી શકે છે.

અક્ષય પટેલ ઉપરાંત આર અશ્વિનને સાથ આપવા કુલદીપ યાદવ કે રાહુલ ચહરની પસંદગી થઇ શકે છે. આવું થતા વોશિંગ્ટન સુંદરને પેવેલિયનમાં બેસવુ પડી શકે. આમપણ પ્રથમ ટેસ્ટમાં તે સ્પેશિયલ સ્પિનર તરીકે દેખાયો નહતો.

છેલ્લા ૮ વર્ષમાં ટીમ ઇન્ડિયા ઘરઆંગણે સળંગ બે ટેસ્ટ હારી નથી. અગાઉ ઇંગ્લેન્ડ સામે જ તેણે ૨૦૧૨માં સતત બે મેચ મુંબઇ અને કોલકાતામાં ગુમાવી હતી. એ શ્રેણી ઇંગ્લેન્ડે ૨-૧થી જીતી લીધી હતી. આ વખતે પણ હરિફ ટીમ ઇંગ્લેન્ડની જ છે. તેથી પુનરાવર્તન થાય તેવું ભારત ઇચ્છશે.

અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટ માટે પણ ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદ હતો. પરંતુ મેચ શરુ થવાના થોડા સમય પહેલાં જે તે ઘાયલ થઇ ગયો. તો તેના સ્થાને શહેબાજ નદીમનો સમાવેસ કરાયો હતો. અક્ષયની બોલિંગ સ્પીડ નદીમ કરતા વધુ છે. જેના લીધે ઇંગ્લીશ બેટ્‌સમેનો માટે તેની સામે સ્વીપ શોટ મારવાનું સરળ નહીં રહે. ઉપરાંત અક્ષય પૂંછડિયા ખેલાડીઓમાં સારી બેટિંગ પણ કરી શકે છે.

બીજી ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદર અને શહેબાજ નદીમ બહાર બેસી શકે છે. નદીમને અક્ષયની ઇજાને કારણે જગ્યા મળી હતી. જ્યારે સુંદર પ્રથમ ટેસ્ટમાં અસરકારક બોલિંગ કરી શક્યો. પ્રથમ મેચમાં તેની બેટિંગ કાબેલિયતને લીધે જ સ્થાન મળ્યું હતું. તેણે પ્રથમ ઇનિંગમાં અર્ધસદી પણ ફટકારી હતી. પરંતુ અહીં ખરો સવાલ ઇંગ્લીશ બેટ્‌સમેનોને ઓલઆઉટ કરવાનો છે. જેના માટે સ્પેશિયાલિસ્ટ બોલરોની જરૂર છે.

બીજી ટેસ્ટમાં ઇશાંત અને બુમરાહ શરુઆતમાં ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો પર પ્રભાવ પાડી શક્યા નહતા. તેથી બીજી ઇનિંગમાં કેપ્ટન કોહલીએ સ્પિનરો અશ્વિન અને સુંદર થી બોલિંગ આક્રમણ શરૂ કરાવ્યું હતું. જેનો ફાયદો પણ મળ્યો હતો. તેથી આ વખતે મુહમ્મદ સિરાજને તક મળી શકે છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થાય તો ઇશાંત કે બુમરાહમાંથી એકને બહાર થવું પડશે.

ભારતમાં પહેલી વાર એક જ મેદાન પર સતત શ્રેણી બે ટેસ્ટ રમાવા જઇ રહી છે. દેશમાં ૮૭ વર્ષોથી ટેસ્ટનું આયોજન થઇ રહ્યું છે. ત્યારથી લઇ અત્યાર સુધી આવું ક્યારેય થયું નથી. વિદેશમાં ટીમ ઇન્ડિયા સતત બે મેચ એક ગ્રાઉન્ડ પર રમી ચૂકી છે. ૧૯૭૬માં વેસ્ટઇન્ડીઝના પ્રવાસે તેણે શ્રેણીમાં સતત બે મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમી હતી.

ઇંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. 

રૉરી બર્ન્સ, સિબ્લે, લૉરેન્સ, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, ઓલી પૉપ, બેન ફૉક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ક્રિસ વૉક્સ/ઓલી સ્ટૉન.