વડોદરા

દિલ્હીથી વડોદરા આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં વિદેશી દારૂની ૩૭ બોટલો લઈને આવતા ભાજપા યુવા મોરચાના કાર્યકર સહિત બે જણાને પોલીસે ઝડપી પાડયા હતા. દારૂ લઈને આવતા ઝડપાયેલા ભાજપાના કાર્યકરને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. જાે કે, આ દારૂનો જથ્થો શહેર ભાજપાના એક મોરચામાં નિયુક્ત થયેલ હોદ્દેદારની પાર્ટી માટે મંગાવાયો હોવાનું કહેવાય છે અને આ ચર્ચા ભાજપાવર્તુળોમાં જ શરૂ થઈ છે.

દિલ્હીથી વડોદરા આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં દારૂની બોટલો લાવવામાં આવી રહી હોવાની વિગતોના પગલે હરણી પોલીસની ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. મુસાફરોના ચેકિંગ દરમિયાન બે મુસાફરોની પાંચ ટ્રોલીબેગ અને હેન્ડબેગ ચેક કરતાં તેમાંથી ૬૨ હજારની કિંમતની વિદેશી દારૂની ૩૭ બોટલ મળી આવી હતી. દારૂની બોટલો સાથે ઝડપાયેલા પાર્થ મુકેશ શ્રીમાળી રહે. મહાલક્ષ્મી સોસાયટી, હરણી ભાજપા યુવા મોરચા વોર્ડ નં.૩નો કાર્યકર હોવાનું તેમજ બીજાે શખ્સ પાદરા રહેતો યાંત્રિક દિલીપભાઈ શ્રીમાળી હોવાની વિગતો બહાર આવી હતી.

દારૂનો જથ્થો ફલાઈટમાં લાવતાં વડોદરા શહેર ભાજપાનો કાર્યકર ઝડપાતાં ખળભળાટ મચી ગયો હતો. પાર્થ શ્રીમાળી અગાઉ ભાજપા યુવા મોરચા શહેર કારોબારીનો સભ્ય પણ હતો. વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ શહેર ભાજપા વોર્ડ નં.૩નો કાર્યકર પાર્થ મુકેશ શ્રીમાળીને ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યો હતો. જાે કે, ભાજપાવર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ શહેર ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારો અને સભ્યોની થોડા સમય પૂર્વે જ જાહેર કરવામાં આવી હતી.

ત્યારે એક મોરચામાં નિયુક્ત થયેલા હોદ્દેદારની પાર્ટી માટે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવાયો હોવાનું કહેવાય છે. દારૂના જથ્થા સાથે ઝડપાયેલા પાર્થ શ્રીમાળી અગાઉ પણ ફલાઈટમાં એક વખત દારૂનો જથ્થો લઈ આવ્યો હોવાનું પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હતું.