આણંદ : હજુ પણ ચરોતરને વરસાદની ધમાકેદારી બેટિંગથી છૂટકારો મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને પગલે આગામી ૧૮થી ૨૨ ઓગસ્ટ દરમિયાન ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ચરોતરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ફરી આગામી બેથી ત્રણ દિવસમાં અતિભારે વરસાદની સંભાવના છે. ચરોતરમાં છેલ્લાં એક અઠવાડિયાથી શરૂ થયેલો મેઘો અટકવાનું નામ લેતો નથી. હજુ પણ ચોમાસાને ૩૭ દિવસ બાકી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, પહેલેથી જ પાણીદાર કહેવાતાં ચરોતરમાં ૧૨૫ ટકા વરસાદ નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  તારાપુર પંથકમાં જાેરદાર બેટિંગ કરી રહેલાં વરસાદે પેટલાદ, સોજિત્રામાં પણ રજા પાડવાનું નામ લીધું નથી. સતત ચાલું રહેલાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ધરતીપૂત્રો પણ હવે મેઘો ખમૈયા કરે તેવી ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યાં છે. સતત વરસાદી માહોલથી વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે. વરસાદ છેક ધરતીમાં નીચે ઊતરી ગયો હોવાથી બફારાથી લોકોને મુક્તિ  

મળી છે. ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં મુંજબ, આણંદ જિલ્લામાં છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાયો હતો. અહીં ૫૪ મિમી વરસાદ પડી ગયો છે, જ્યારે સૌથી

ઓછો વરસાદ ઉમરેઠ તાલુકામાં નોંધાયો હતો. અહીં માત્ર ૮ મિમી વરસાદ પડ્યો હતો. આ સાથે તારાપુરમાં ૩૮ મિમી, સોજિત્રામાં ૩૯ મિમી, પેટલાદમાં ૧૮ મિમી, ખંભાતમાં ૧૫ મિમી અને આણંદમાં ૧૨ મિમી વરસાદ નોંધાયો હતો.

ડાંગરના પાકનું ધોવાણ થતાં ધરતીપૂત્રોને આર્થિક ફટકો!

માતર તાલુકાના ભલાડાથી લીંબાસી સુધીના પટ્ટામાં વરસાદી પાણી ફરી વળતા સાત હેક્ટર જમીનમાં ડાંગરના પાકનું ધોવાણ થઈ ગયું છે. વરસાદ મોડો હોવાથી ખેડૂતોએ કૂવા અને ડંકીના પાણીથી ડાંગરની રોપણી કરવા ખોર ખાતર પાછળ રૂ.૨૦થી ૨૫ હજારનો ખર્ચ હેક્ટર દીઠ કર્યો હતો. છેલ્લાં પાંચ દિવસથી પડી રહેલાં ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. પાકનું ધોવાણ થતાં ધરતીપૂત્રોને આર્થિક ફટકો સહન કરવાનો વખત આવ્યો છે.

તંત્રએ કાંસની સફાઈ ન કરતાં ગ્રામીણ પ્રજા અને ખેડૂતોને ભારે નુક્સાન થયું!

ખંભાતથી લઈ માતર સુધીના વિસ્તારમાં પસાર થતાં કાંસની સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. વરસાદ બાદ આ બાબત ઊજાગર થઈ ચૂકી છે. ભારે વરસાદમાં ભાલ પંથક વિસ્તાર વહેતી નદી જેવો બની ગયો છે. તંત્રની બેદરકારીને લીધે ગ્રામીણ પ્રજાને ભારે નુક્સાની વેઠવી પડી છે. ખેડૂતોના પાક ધોવાઈ ગયાં છે. હજુ ફણ ભારે વરસાદની આગાહી હોવાથી આ વિસ્તારમાંથી પાણી ઊતરતાં બીજું એક અઠવાડિયું લાગી શકે છે. આવાં માહોલમાં ધરતીનો તાત સૌથી વધુ ચિંતિત છે.

હજુ ૧૦ દિવસ ઘેરાયેલાં વાદળો હટે તેવી કોઈ શક્યતા નથી!

આ ઉપરાંત આગામી ૨૧ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમિયાન પણ સમગ્ર રાજ્યમાં વરસાદનું જાેર યથાવત રહેશે. હજુ પણ આગામી દસ દિવસ સુધી ચરોતર પર ઘેરાયેલાં વાદળો હટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. લોકોએ વરસાદી માહોલ વચ્ચે જીવવું પડશે.

તારાપુર પંથકમાં ત્રણ-ત્રણ દિવસથી રસ્તાઓ લાપત્તા!

તારાપુર-સોજિત્રા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી સતત ત્રીજા દિવસે પણ નદીના વહેણની જેમ વહેતાં જાેવાં મળ્યાં હતાં. આ પાણી ક્યારે ઊતરશે તેની સ્થાનિકો રાહ જાેઈને બેઠાં છે. બીજી તરફ વરસાદ અટકવાનું નામ લેતો ન હોવાથી ગામડાંઓના લોકોની હાલત કફોડી બની છે. તંત્ર અલર્ટ મોડમાં રહેવા સિવાય કંઈ કરી રહ્યું નથી.

સરકાર દ્વારા ધરતીપૂત્રોને સહાય કરવામાં આવે તેવી માગણી

સરકાર દ્વારા ભાલ પંથકના ખેડૂતોને તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માગણી થઈ રહી છે. જાે તેઓને રાહત મળે તો આગામી ૧૫ દિવસમાં કોઈ નવાં પાકની વાવણી કરીને પોતાનું જીવન નિભાવી શકે છે તેમ છે.