હિંમતનગર,તા.૩ 

હિંમતનગરમાં વાઘ દેખાયો હોવાનો ફેક વીડિયો વાઈરલ થવાના પ્રકરણમાં વન વિભાગે વીડિયો વાઈરલ કરનાર શખ્સોને અલગ તારવી એક શખ્સને ગાંભોઈ પોલીસને સોંપી દહેશત ફેલાવવી, ખોટો વીડિયો વાઈરલ કરવો, આઇટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવા લેખિત ફરિયાદ આપી છે. વાયરલ વીડિયો હિંમતનગરના હુંજ ગામનો નહીં પણ નાગપુરનો અને ૮ મહિના અગાઉ યુટ્યુબ પર અપલોડ થયા હોવાનું વનવિભાગની તપાસમાં બહાર આવ્યું છે. હિંમતનગરના હુંજ અને રાયગઢના જંગલ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને વીડિયોમાં હુંજ ગામનું નામ એડિટ કરી વીડિયો હુંજ ગામનો હોય તેવો આભાસ ઊભો કરાયો હતો. ત્યારબાદ વીડિયો આગળ વધતો ગયો તેમ તેમ લખાણમાં પણ અતિશયોક્તિ થતી ગઈ અને છેલ્લે પંથકમાં દહેશતનો માહોલ પેદા થયો વીડિયો પ્રથમ નજરે જ બહારનો હોય તેવું જણાતું હોવા છતાં ઈડર અને હિંમતનગર વનવિભાગ દ્વારા વાઘની હાજરીના કોઈ પુરાવા મળે તો એ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા અને તેની સમાંતર સોશિયલ મીડિયામાં જેણે જેણે વીડિયો શેર કરી ફોરવર્ડ કર્યા હતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે આર.એફ.ઓ અનિરુદ્ધસિંહ જણાવ્યું કે વીડિયો નાગપુરનો છે અને આઠેક મહિના અગાઉ યુ ટ્યુબ પર અપલોડ થયેલ હતો. તેમાં સંભળાતી ગુર્રાહટ વાઘની નહિ પણ સિંહની છે. મેવાભાઈ રબારી નામના વ્યક્તિએ હુંજ ગામના કરસનભાઈ ભરવાડને આ વિડીયો મોકલ્યો હતો અને તેમણે હુંજ ગામનું નામ વિડીયોમાં એડિટ કરી ગ્રુપમાં મૂકયા બાદ અન્ય લોકોએ પણ લખાણમાં ફેરફાર કરતા રહી વાયરલ કર્યો હતો તપાસને અંતે કરશનભાઈ ભરવાડને ગાંભોઈ પોલીસને સોંપી વિડીયોને વાઈરલ કરનાર અન્ય નવ શખ્સો સહિતના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા હુંજ વનપાલ કે.આર.બારોટ દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે. વાઘનો વિડીયો વાઈરલ કરનારા શખ્સોમાં ચૌહાણ સતીષસિંહ (રહે.મહેતાપુરા, તા.હિંમતનગર),મકવાણા જશપાલસિંહ (રહે.વાવડી, તા.હિંમતનગર), ઝાલા કમલેશસિંહ (રહે.વગડી, તા.હિંમતનગર), ચૌહાણ રોહિતસિંહ (રહે.ફતેપુર, તા.હિંમતનગર), પરમાર આકાશસિંહ (રહે.રાયસિંગપુર, તા.હિંમતનગર) અને સોલંકી આનંદકુમાર (રહે.રામપુર-રાયગઢ, તા.હિંમતનગર),પરમાર બળવંતકુમાર (રહે.હુંજ) ભરવાડ કરશનભાઈ (રહે.હુંજ),રબારી મેહુલભાઈ (રહે.હુંજ, તા.હિંમતનગર)નો સમાવેશ થાય છે.