વડોદરા : શહેરમાં ગુન્હાહિત સામ્રાજય ફેલાવીને ભાઇ બનવાના અભરખા સેવતા કુખ્યાત દિલીપ કેરી અને તેના ભાઇએ પારિવારીક સંબંધ ધરાવતી સામાજીક કાર્યકર્તા પર હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડતા પોલીસ એકશનમાં આવી છે.અને સામાજીક કાર્યકર્તાની ફરિયાદને આધારે પોલીસે દિલીપ કેરીના પુત્રની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.અને પોલીસ વાન આવતા જ પોલીસને જાેઇ ભાગી ગયેલ કુખ્યાત દિલીપ કેરીની પોલીસે શોધખોળ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ છાણી રોડ પર નવાયાર્ડ લાલપુરામાં એમબીસી દાસ રેસીડેન્સીમાં રહેતા કુખ્યાત દિલીપ કેરી છેલ્લા છ મહીનાથી ફતેહગંજમાં સરદારનગરમાં રહેતી અને અર્થ યુનીટી ફાઉન્ડેશન નામની એન જી ઓમાં કામ કરતી સામાજીક કાર્યકર્તા તમન્ના પીરુ શેખ સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. દિલીપ કેરી અને તમન્ના શેખના વડીલો વચ્ચે નીકટતા હોવાથી આ બંને વચ્ચે પણ પારિવારીક સંબંધ હતા.પણ છેલ્લા છ મહીનાથી દિલીપ કેરી સામાજીક કાર્યકર્તા તમન્ના શેખનો પીછો કરી તેને હેરાન કરતો હતો.અને ફોન પર ધમકી આપતો હતો.અને આ છ મહીના દરમ્યાન દિલીપ કેરીએ તમન્ન્ના શેખ પર ૪૦ થી ૫૦ વખત હુમલો કર્યો હતો.દિલીપ કેરીનો ફોન બ્લોક કરતા તે તેના મિત્રો અથવા અજાણ્યા મોબાઇલ પરથી ફોન કરીને તમન્ના શેખને ધમકાવતો હતો.એટલું જ નહી તેની મોટી દીકરીનું અપહરણ કરવાની પણ ધમકી આપતો હતો.આજે દિલીપ કેરીએ મોબાઇલ ફોનથી તમન્નાના બનેવીને ગાળો આપતા તમન્ના દિલીપ કેરીની માતા તેમજ પત્નીને સમજાવવા ગઇ હતી.અને કુખ્યાત દિલીપ કેરીના આ ત્રાસથી કંટાળીને આજે તમન્ના દિલીપ કેરીના ઘરે જઇને સેનીટાઇઝર છાંટીને આપઘાતની કોશિશ કરતા દિલીપ કેરીએ તમન્નાને ખુબ જ માર માર્યો હતો.અને શરીર પર નખોરીયા મારી ગંભીર ઇજા કરી હતી.આ બનાવ વખતે દિલીપ કેરની પત્ની તેમજ તેની માતા હાજર હોવા છતાં પણ આ બંનેએ તમન્નાને માર ખાતા બચાવી ન હતી.આ દરમ્યાન તમન્નાએ તેના ભાઇને બોલાવતા તેને પણ દિલીપ કેરી તેમજ તેના પુત્ર પ્રતિકે ભેગા મળીને માર માર્યો હતો.આ બનાવ બાબતે તમન્ના ફતેહગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતા પોલીસે તમન્નાને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.અને સયાજી હોસ્પિટલમાં આ અંગે પોલીસે ઇપીઆર પાડી નોંધ લીધી હતી.ત્યાર બાદ ફતેહગંજ પોલીસે તમન્નાની ફરિયાદને આધારે ૩૫૪,૩૫૪(એ)(૧),૩૫૪(ડી),૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨),૧૧૪ મુજબનો ગુન્હો નોંધી કલાકોમાં જ દિલીપ કેરીના પુત્ર પ્રતિક કેરીને પકડી તેની ધરપકડ કરવા આરીટીપીસીઆર ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

દિલીપ કેરી હત્યાના ગુનામાં જેલની હવા ખાઇ ચૂક્યો છે

કુખ્યાત દિલીપ કેરી સામે શહેરના વિવિધ પોલીસ મથકમાં ગુન્હા નોંધાયા છે.આ હીસ્ટ્રીસર સામે શરીર સંબધી ગુન્હા, હત્યા, ખંડણી,અપહરણ, બોગસ દસ્તાવેજ બનાવવા ગેરકાયદેસર રીતે ઘાતક હથિયાર રાખવા જેવા ગંભીર પ્રકારના પાંચથી છ ગુન્હા નોંધાયા છે.અને સને ૨૦૦૫માં હત્યાના ગુન્હામાં જેલની હવા પણ ખાઇ ચૂકયો છે.આ સાથે પોલીસ વિભાગે તેને પાસા અને તડીપાર પણ કર્યો છે.પણ પાસા તેમજ તડીપાર થઇને આવ્યા પછી પોતાની ગુન્હાહિત પ્રવૃતિ ચાલુ રાખીને શહેરમાં ભાઇગીરીનું સામ્રાજય ફેલાવવાની કોશિશ કરી રહ્યો છે.

દિલીપ કેરીએ ન્યુઝ પોર્ટલ શરૂ કર્યંુ છે

વડોદરા ઃ પોલીસ કમિશનર સમશેરસિંગ આવતાંની સાથે ગુજસીટોકના કાયદા હેઠળ સપાટો બોલાવતાં રીઢા ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પરંતુ ન્યુઝ પોર્ટલ શરૂ કરી પ્રોટેકશન મેળવવા ઉપરાંત પ્રભાવ પાડવા માટે વિક્કી સરદાર, જિતુ યાદવ, વિજય અગ્રવાલ અને દિલીપ કેરીએ યોજના ઘડી કાઢી હતી. નેશન પ્લસ નામની વેબચેનલ ચાલુ કરી એનું ફાઈનાન્સ આ ગુનેગારોની ટોળકી કરી રહી હોવાનું કહેવાય છે. ત્યારે પોલીસ આવા ગુનેગારો દ્વારા ચલાવાતી વેબચેનલના નાણાકીય સ્ત્રોતની પણ તપાસ કરે તો ચોંકાવનારી માહિતી બહાર આવે એમ છે.

દિલી૫ કેરીને પોલીસના અધિકારીઓ છાવરી રહ્યા છે

સામાજીક કાર્યકર્તા તમન્ના શેખ પર દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટના દિલીપ કેરીના ઘર પાસે લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરોમાં કેદ થઇ હતી.તો પોલીસ આ ફુટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરે છે.કે કેમ તે એક સવાલ છે.અને આ હુમલા પછી તમન્ના શેખે તુંરત જ પોલીસ કંટ્રોલ રુમમાં જાણ કરતા જ ફતંહગંજ પોલીસની વાન પહોંચી ગઇ હતી.તે વખતે દિલીપ કેરી ત્યાં જ હતો.પણ પોલીસે તેને પકડવાને બદલે ભગાડવામાં મદદ કરી હોવાનો તમન્નાનો આક્ષેપ છે.પોલીસ દિલીપ કેરીના છાવરવાની કોશિશ કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.કુખ્યાત દિલીપ કેરીએ પોતાની અસામાજીક પ્રવૃતિથી સમગ્ર વિસ્તારમાં ખોફનું સામ્રાજય ફેલાવ્યું છે.પણ કેટલાક પોલીસ અધિકારી તેમજ કર્મચારી દિલીપને છાવરવાની કોશિશ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

દિલીપ કેરીની પત્નીની વળતી ફરિયાદ

વડોદરા, તા.૯

નવાયાર્ડમાં સામાજીક કાર્યકર્તા તમન્ના શેખ પર દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટનામાં દિલીપ કેરીની પત્ની અનિતાએ ફતેહગંજ પોલીસ મથકે સામાજીક કાર્યકર્તા તમન્ના શેખ,તેના ભાઇ નાજ અને કૌશર પાનવાલા સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં અનિતાએ જણાવ્યું હતુ કે આજે સાડા અગિયાર વાગ્યાના સુમારે તમન્ના તેનો ભાઇ કૌશર ઘરે આવ્યા હતા.અને દિલીપ કયાં છે. તેમ પુછતા પુત્ર પ્રતિકે પિતા ઘરે નથી.તેમ જણાવ્યું હતુ. જેથી તમન્નાએ ઉશ્કેરાઇ જઇને પ્રતિકને ખાધા ખોરાકીના પૈસા આપી દે તેમ જણાવી પ્રતિકને ગાળો આપી માર મારવાની શરુઆત કરી હતી.આ દરમ્યાન પતિ દિલીપ કેરી આવી પુત્રને છોડાવવા જતા કૌશર અને તમન્નાએ ભેગા મળીને પતિ તેમજ પુત્રને માર માર્યો હતો.અનિતા પુત્ર અને પતિને છોડાવવા જતા આ ત્રણેયે ભેગા મળીને તેને પણ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ તમન્નાએ હું આત્મહત્યા કરી મરી જઇશ અને તમોને ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી.પોલીસે આ ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.