વડોદરા : સમગ્ર રાજ્યમાં બર્ડ ફલૂનો રોગચાળો ફેલાયો છે. એની નાની મોટી અસર વડોદરા જિલ્લામાં જાેવા મળી રહી છે. જિલ્લામાં કબૂતર, મોર, કાગડા સહિતના પક્ષીઓના મોત નિપજ્યા છે. તાજેતરમાં સાવલી તાલુકાના વાસનપુરા ગામ ખાતે કાગડાઓના થયેલા મોત માટે સેમ્પલો ભોપાલ લેબમાં મોકલવામાં આવતા પાંચ કાગડાઓના સેમ્પલમાં બર્ડ ફલૂ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ મૃતક પક્ષીઓના અગ્નિસંસ્કાર કરાયા છે. તેમજ કેટલાકને યોગ્ય ઉંડાઈએ જમીનમાં દાટવામાં આવ્યા છે.          

સાવલી તાલુકાના વસનપુરા ગામે ગત તારીખ છઠ્ઠી જાન્યુઆરીના રોજ ૨૫ જેટલા કાગડાઓના આકસ્મિક મોત થયાં હતાં.આ પૈકી સેમ્પલ રૂપે પાંચ કાગડાના મૃતદેહો ભોપાલની પશુરોગ પ્રયોગશાળામાં મરણોત્તર તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા. આ પૈકી ત્રણ કાગડાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. જેને અનુલક્ષીને પશુપાલન ખાતા અને તાલુકા પ્રશાસને તકેદારીના સઘન પગલાં લીધાં છે તેવી માહિતી આપતાં વડોદરા જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂનો આ સ્ટ્રેન પક્ષીથી પક્ષીમાં ફેલાય છે.માણસને તેની અસર થતી નથી. તેમ છતાં તકેદારીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. આસપાસના પોલ્ટ્રી ફાર્મ તેમજ ફળિયાઓમાં પ્રજા દ્વારા ઉછેરવામાં આવતાં મરઘાઓની ગુદા અને નાકમાંથી સ્વેબ લઈને ચકાસણી માટે ભોપાલની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યાં છે એમ તેમણે જણાવ્યું હતું. આ બનાવના પગલે પશુપાલન ખાતાની ટીમોએ નજીકના પોલ્ટ્રિ ફાર્મોની ચકાસણી અર્થે મુલાકાત લીધી હતી અને ખાસ કરીને ત્યાં કામ કરતા લોકોને બહાર ન જવા દેવા અને બહારના લોકોને પોલટ્રી ફાર્મમાં પ્રવેશ ન આપવાની સૂચના આપી હતી. જાે કે ૨૫ કાગડાના મરણ પછી પક્ષી મરણની કોઈ ઘટના આ વિસ્તારમાં નોંધાઇ નથી. નમૂનામાં બર્ડ ફ્લુની પુષ્ટિ થતાં આ ગામના અંદાજે એક કિમી વિસ્તારની ત્રિજ્યામાં અવર જવર સહિતના નિયંત્રણો અમલી બનાવતું જાહેરનામું બહાર પાડવા કલેકટર કચેરીને ભલામણ કરવામાં આવી છે. હાલમાં સાવલી તાલુકામાં પશુપાલન અધિકારી,પશુધન નિરીક્ષક સહિતના કર્મચારીઓની બનેલી આઠ ટીમો ફાર્મ ટુ ફાર્મ સઘન સર્વેક્ષણની કામગીરી કરી રહી છે. નાયબ પશુપાલન નિયામકે ગઇકાલે કબૂતર મરણનો બનાવ નોંધાયો છે તેવા કરજણ તાલુકાના કિયા ગામની મુલાકાત લીધી હતી નજીકના વિસ્તારમાં આવેલા પોલટ્રી સંસ્થાઓની મુલાકાત લઈ લેવા યોગ્ય તકેદારીના પગલાંનું માર્ગદર્શન આપ્યું હતું. અહીથી મૃત કાગડા અને રિલાયન્સ ટાઉનશિપમાં મોરના મરણની ઘટનાના સંબંધિત સેમ્પલ વધુ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. કરજણ તાલુકામાં ચાર ટીમો દ્વારા તકેદારીની કામગીરી થઇ રહી છે. મૃત મળી આવેલા પક્ષીઓનો સંપૂર્ણ તકેદારી સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી સલામતીની તમામ તકેદારીઓ સાથે જમીનમાં પૂરતી ઊંડાઈમાં દાટી અથવા તેના અગ્નિસંસ્કાર કરી નિકાલ કરવામાં આવ્યો છે.

૧ કિ.મી. વિસ્તારમાં ઈંડાં,પક્ષીઓની હેરફેર પર પ્રતિબંધ

વડોદરા ઃ સાવલી તાલુકાના વેરાઈ માતાના ચોક, વસનપુરા ગામમાં કાગડાઓના મરણ ની ઘટના ઘટી હતી અને મરણોત્તર તપાસમાં આ કાગડા બર્ડ ફ્લુ એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝા નો ચેપ ધરાવતા હોવાનું પ્રતિપાદિત થયું છે. તેને અનુલક્ષી ને આ ચેપના નિયંત્રણ ના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલની સૂચના થી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી. આર.પટેલે અસરગ્રસ્ત વિસ્તારમાં અવર જવર સહિતના વિવિધ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામા પ્રમાણે વસનપુરા ગામની ૧ કિલોમીટર ત્રિજ્યા વાળા મહેસૂલી વિસ્તારમાં ( ચેપગ્રસ્ત ક્ષેત્ર) ઇંડા, મરઘી,પક્ષીઓની હગાર, પૌલ્ટ્રિ ફાર્મના સાધનો અને સામગ્રી ઇત્યાદિ ને અસરગ્રસ્ત વિસ્તારમાં થી બહાર લઈ જવા કે લાવવાની મનાઈ રહેશે.મરઘાં પાલન, પોલ્ટ્રી નું કામ કરતા કર્મચારીઓ,અન્ય લોકોએ ખેસ,માસ્ક, મોજાં, ગમ બુટ, ડિસ્પોઝેબલ ગ્લોવસ વગેરે પહેરવાના રહેશે.

સંબંધિત વિભાગો એ અસરગ્રસ્ત વિસ્તારમાં બહાર થી આવતાં પક્ષીઓ ખાસ કરીને પાણીના સંપર્કમાં ન આવે તે માટે જરૂરી ઉચિત પગલાં લેવાના રહેશે.

સિંધરોટમાં ત્રણ દિવસમાં ૩૦ મરઘાના મોત

વડોદરા : કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂનો કહેર શરૂ થયો છે. સાવલી તાલુકાના વસનપુરા ગામે ૩૦ કાગડાઓના મોંતની ધટનામાં ભોપાલ ખાતે મોકલવામાં આવેલા સેમ્પલોમાં ૪ કાગડાઓના સેમ્પલોમાં બર્ડ ફ્લૂ હોંવાનુ પ્રકાશમાં આવ્યુ છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં સીંધરોટ નજીક પાળેલા ૩૦ મરધાના એક બાદ એક મોત નિપજતા ચકચાર મચી છે.આ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરતા પશુ ચિકીત્સક દ્વારા અન્ય મરધાની સારવાર કરી જરૂરી દવાઓ આપી હતી.વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડન્ટ અરવિંદ પવાર ને સીધરોટ ગામમાંથી અર્જુનભાઈ માળી નો ફોન આવ્યો હતો કે અમારા ત્યા તા-૦૮/મીથી એક પછી એક કરીને ત્રીસ પાળેલા મરઘાં અચાનક મોત થઈ રહ્યા છે. જેથી બર્ડ ફ્લૂની આશંકા સાથે તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડન્ટ અરવિંદ પવારે વનવિભાગ ને જાણ કરી હતી અને વનવિભાગ દ્રારા પશુ ચિકીત્સકને સ્થળ પર મોકલી તપાસ કરી હતી અને જરૂરી સારવાર અને દવા લખી આપી હતી. સ્થાનિક રહીશોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નો ફરી સંપર્ક કરતા સંસ્થાના કાર્યકરોએ દવાનો ઉપયોગ કેવી રીતે કરવો એની માહિતી પણ આપી હતી.એક બાદ એક ત્રણ દિવસમાં ૩૦ પાળેલા મરધાના મૃત્યુની ધટનાથી ચકચાર મચી હતી.જ્યારે જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પણ સેમ્પલો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હોંવાનુ જાણવા મળે છે.