વડોદરા, તા. ૨૪

મેયર અને તેમના ભાઈઓને બદનામ કરવા માટે તેઓની વિરુધ્ધ ગંભીર આક્ષેપો કરતી નનામી પત્રિકાઓ બનાવવાના ચકચારભર્યા બનાવમાં વોર્ડ -૧૯ના ભાજપાના કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાના સાળા અને સાળાના સાઢુની ધરપકડ બાદ આ પત્રિકા કાંડમાં અલ્પેશ લિંબાચિયાની ભુમિકા સપાટી પર આવતા તેની પણ ગત રાત્રે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વડોદરાના ઈતિહાસમાં પ્રથમવાર કોર્પોરેશનના પુર્વ શાસક પક્ષના નેતાની આ રીતે ધરપકડ થતાં રાજકિય બેડામાં પણ ભારે ચકચાર મચી હતી. અલ્પેશ લિંબાચિયાને રવિવારની રાતથી સોમવારની રાત સુધી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં અટકાયત માટે રાખ્યા બાદ તેનો રાત્રે જામીન પર છુટકારો થયો હતો.

મેયરને બદનામ કરવા માટે બનાવેલી નનામી પત્રિકા કોર્પોરેટર અને હોદ્દેદારોને પોસ્ટથી મોકલવાના બનાવની બે આરોપીઓના નામ જાેગ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે પોલીસે શહેર કોર્પોરેશનના વોર્ડ-૧૯ના ભાજપાના ૪૪ વર્ષીય કોર્પોરેટર અલ્પેશ મધુસુદન લિંબાચિયા (મોતીનગર-૩,રવિ પાર્ક પાછળ, તરસાલી)ના સાળા અમિત લિંબાચિયા અને અમિતના સાઢુ આકાશ નાઈની બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી જયાં બંનેનો ગઈ કાલે જામીન પર છુટકારો થયો હતો. આ સમગ્ર બનાવમાં મુખ્ય સુત્રધાર અલ્પેશ લિંબાચિયા હોવાની રાજકિય બેડામાં ચર્ચા હતી અને તેની સંભવિત પોલીસને પણ જાણ હતી પરંતું જાેેકે આવા ગંભીર બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે મંથરગતિએ તપાસ કરી અલ્પેશ સામે કોઈ કાર્યવાહી નહી કરતા ક્રાઈમ બ્રાન્ચની કામગીરી પર માછલા ધોવાયા હતા જેને પગલે ક્રાઈમ બ્રાન્ચની સફાળી જાગી હતી અને મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલ્પેશ લિંબાચિયાના નિવાસસ્થાને ધસી જઈ તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવી હતી.

દરમિયાન રાતભર અલ્પેશ લિંબાચિયાની ક્રાઈમ બ્રાન્ચની ઘનિષ્ટ પુછપરછ કરી હતી જેમાં તેની પણ આ પત્રિકા કાંડમાં સંડોવણી સપાટી પર આવતા અલ્પેશ લિંબાચિયાની આજે બપોરે સત્તાવાર ધરપકડ કરાઈ હોવાની ક્રાઈમ બ્રાન્ચે જાહેરાત કરી હતી. કોર્પોરેશનના શાસકપક્ષના પુર્વ નેતાની ધરપકડની વાત વાયુવેગે ફેલાતા રાજકિય બેડામાં પણ ચકચાર જાગી હતી. આ ધરપકડ અંગે ક્રાઈમ બ્રાન્ચના એસીપી એચ.એ.રાઠોડે જણાવ્યું હતું કે મેયર અને તેમના ભાઈઓ વિરુધ્ધ સામાજિક જીવનમાં બદનામી થાય તેવા બદઈરાદે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા અંગેના ગંભીર પ્રકારના ખોટા આક્ષેપોવાળા નનામા પત્રરૂપે બોગસ દસ્તાવેજ બનાવી જે ખોટા અને બનાવટી હોવાનું જાણવા છતાં ફરિયાદી તથા તેમના પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેમજ જાહેર જીવનમાં બદનક્ષી થશે તેવું જાણવા છતા પત્ર બનાવી પોસ્ટ મારફતે જુદા જુદા વ્યકિત તથા સંસ્થાઓને મોકલવતા ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા તેની ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી અલ્પેશ મધુસુદન લિંબાચિયાની આજે ધરપકડ કરી વધુ તપાસ ચાલુ રાખી છે.

અલ્પેશ લિંબાચિયાની આજે સવારે સત્તાવાર ધરપકડ બાદ આજે રાત્રે જામીન પર છુટકારો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ ઝડપાયેલા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજુ કર્યા હતા પરંતું કોર્ટે આરોપીઓને પોલીસ મથકમાં પરત મોકલતા બંનેનો પોલીસ મથકેથી જામીન પર છુટકારો થયો હતો. દરમિયાન ગઈ કાલે થયેલી ભુલને ધ્યાનમાં રાખીને અલ્પેશનો આજે ક્રાઈમ બ્રાન્ચમાંથી જામીન પર મુક્ત કરવાની કામગીરી થઈ હતી. જાેકે જામીન પર મુક્ત થયેલા અલ્પેશે ત્યાં હાજર મિડીયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને ડ્રાઈવરે કારને પુરઝડપે નિવાસસ્થાને હંકારી મુકી હતી.

ત્રિપુટી સામે કઈ ૈંઁઝ્ર હેઠળ ગુનો?

• ૪૬૯ - પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે ગુનો

• ૫૦૦ – માનહાની-નિંદા માટેની સજા

• ૫૦૧- માનહાનિ માટે છાપકામ કે કોઈ ધાતુ પર નકશીકામ

• ૫૦૨- કોઈની માનહાનિ થાય તેવી પ્રિન્ટેડ કે નકશીકામનું વિતરણ

• ૫૦૬ - ત્રાસ આપવા માટેની ધમકી

• ૫૦૭ – ધમકી આપવા માટે પોતાની ઓળખ છુપાવીને ત્રાસ આપવો

• ૧૨૦(મ્) – ગુનો કરવા માટેનું કાવતરું

ઉક્ત આઈપીસી હેઠળ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓ માટે બે વર્ષ સુધીની સજા તેમજ તો દંડ અથવા તો દંડ સહિતની સજાની જાેગવાઈ છે.

અલ્પેશ લિંબાચિયાનો મોબાઈલ ફોન અનેક રહસ્યો ખોલશે

ભાજપા કોર્પોરેટર અને શાસક પક્ષના પુર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ગત રાત્રે ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કર્યા બાદ તેની રાતભર એસીપી રાઠોડ સહિતના અધિકારીઓએ ઘનિષ્ટ પુછપરછ કરી હતી જેમાં તેની સંડોવણી સપાટી પર આવતા પોલીસે અલ્પેશની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશ લિંબાચિયાની ઓફિસમાંથી કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ આજે અલ્પેશ લિંબાચિયાનો મોબાઈલ ફોન ક્રાઈમ બ્રાન્ચે તપાસના કામે જમા લીધો છે. જાેકે અલ્પેશનો આ ગુનામાં શુ ભુમિકા છે તે અંગે ક્રાઈમ બ્રાન્ચે કોઈ ફોડ પાડ્યો નથી પરંતું આ સમગ્ર પત્રિકા કાંડમાં તે જ મુખ્ય સુત્રધાર હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશનો મોબાઈલ ફોનની પણ ચકાસણી શરૂ કરી છે જે આગામી દિવસોમાં અનેક રહસ્યો છતા કરશે અને અન્ય આરોપીઓના પણ નામો ખુલશે તેમ જાણકારોનું માનવું છે.

અલ્પેશની કોર ટીમ અબ તક ૧૫ ભૂર્ગભમાં કેમ ઊતરી ગઈ?

અલ્પેશ લિંબાચિયા તેના કાર્યકરોની વિશાળ ફોજ ધરાવે છે પરંતું તેમાં તેના આસપાસમાં રહેતા યુવાનોની ટીમ તેની એકદમ અંગત છે જે આ વિસ્તારમાં ‘અબ તક ૧૫ֹ’ના નામે જાણીતી છે. ગત રાત્રે ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશને ઉઠાવ્યો હોવાની જાણ થતાં અબ તક ૧૫ની ટીમ રાતોરાત તેઓને ઘરે જાણ કર્યા વિના ભુર્ગભમાં ઉતરી ગઈ છે. આ ટીમના સભ્યોના પરિવારજનોને પણ ટીમના સબ્યો ક્યાં છે તેની જાણ નથી તેમ જણાવ્યું હતું. જાેકે મળતી વિગતો મુજબ આ ટીમ હાલમાં શહેર નજીક આવેલા એક ફાર્મ હાઉસ જે અલ્પેશનું હોવાનું કહેવાય છે ત્યાં આશરો લેતી હોવાની અને આગામી દિવસોમાં આ સમગ્ર ઘટનામાં હવે કેવો પલટવાર કરવો તેની રણનિતી ઘડી રહી હોવાની વિગતો સાંપડી છે.

ભાજપાની ભવાઈના કારણે સદંતર નિષ્ક્રિય રહેલા વોર્ડ-૧૯ના કોંગી કાર્યકરોમાં અચાનક જાેમ આવ્યું!

ભાજપાના મેયર અને પૂર્વ શાસકપક્ષના નેતા વચ્ચે શરૂ થયેલી વોરમાં શાસક પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ-૧૯ના કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાની ધરપકડ થતાં તેમનું કોર્પોરેટર પદ પણ જાેખમ ઉભું થયું છે. ભાજપાની આ ભવાઈના કારણે નિષ્ક્રીય રહેલા વોર્ડ-૧૯ના કોંગી કાર્યકરોમાં જાેમ આવ્યું છે અને વોર્ડ-૧૯ના કેટલાક હરખપદુડા કોંગી કાર્યકરો શહેર કોંગી પ્રમુખ ઋત્વિક જાેષીને મળવા દોડી ગયા હતા. તેઓએ વોર્ડે-૧૯ના ભાજપા કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાની મેયરને બદનામ કરતી પત્રિકાકાંડમાં ધરપકડ અને તાજેતરમાં ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવાયેલા અને એક વર્ષની કેદની સજા ભોગવવાનું હુકમ પામેલા વોર્ડ-૧૮ના ભાજપા કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફ જય રણછોડને કોર્પોરેટર પદેથી દૂર કરી તેઓના ખાલી પડેલા પદ માટે પેટાચૂંટણી યોજવાની માગણી કરે આવી ડિમાન્ડ રાખી હતી. જાે કે કોંગી કાર્યકરોને પેટાચૂંટણીની માંગણી પ્રદેશ કક્ષાએ આદેશ આવ્યા બાદ કરાશે તે જણાવી રવાના કરાયા હતા.