વડોદરા : હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર અને આપત્તીજનક શબ્દો બોલીને સમગ્ર હિન્દુ પ્રજાની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતો વિવાદાસ્પદ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકીનો આગામી ઓક્ટોબર માસમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં ‘ડોંગરી ટુ નોવ્હેર’ નામે કોમેડી કાર્યક્રમની જાહેરાત થતા જ હિન્દુ ભાવિકભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. કોમવાદી અને રાષ્ટ્રવિરોધી માનસિકતા ધરાવતા મુનાવરનો કાર્યક્રમ વડોદરામાં રદ કરવા માટે સોશ્યલ મિડિયામાં અભિયાન છેડાયું છે અને કોઈ પણ ભોગે મુનાવરને આવા કાર્યક્રમ નહી કરવા માટે હિન્દુ સંગઠનો પણ સક્રિય થયા છે.

જુનાગઢનો વતની ૩૦ વર્ષીય મુનાવર ફારુકીએ કેફે હાઉસ અને સ્ટેજ કાર્યક્રમમાં અભદ્ર કોમેડી કરીને ટુંકા ગાળામાં જાણીતો થયો છે. જાેકે તેણે હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર કોમેડી કરી સમગ્ર હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાની શરૂઆત કરી છે.એટલું જ નહી કોમવાદી અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા મુનાવરે પ્રધાનમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રી માટે પણ કોમેડીના બહાને વિવાદાસ્પદ કટાક્ષો કરી અનેક વિવાદો ઉભા કર્યા છે. ગત જાન્યુઆરી માસમાં જ તેણે મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે કેફે હાઉસમાં એક કાર્યક્રમમાં હિન્દુ દેવીદેવતાઓનું અપમાન કરતા તેના વિરુધ્ધ ફરિયાદ થઈ હતી જેમાં મુનાવર અને અન્ય ચાર આયોજકોની ધરપકડ થતાં તેઓને હાઈકોર્ટે પણ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો જેથી તે સુપ્રિમ કોર્ટમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયો છે.

આવા વિવાદાસ્પદ કહેવાતા સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવરનો હવે ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં આગામી ૧લી, ૨જી અને ૩જી તારીખે ૧૮ વર્ષથી વધુ વયના પ્રેક્ષકો માટે ‘ડોંગરી ટુ નોવ્હેર’ નામે કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પૈકી વડોદરામાં ૩જી તારીખે પંડિત દિનદયાલ ઓડિટોરિયમમાં કાર્યક્રમની જાહેરાત થતા જ શહેરના હિન્દુ ભાવિકભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મુનાવરના કાર્યક્મ રદ કરવા માટે સોશ્યલ મિડિયા પર અભિયાન શરૂ થયુ છે જેમાં ‘ ૩ ઓક્ટોબરે થનાર આ મુનાવર ફારુકીના પ્રોગ્રામનો હું સખત પણે વિરોધ કરુ છું.. હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારા આવા કાયરો વડોદરા જેવી સંસ્કાર નગરીમાં આવીને આવો પ્રોગ્રામ નહી કરી શકે.. જય હિન્દ, વંદે માતરમ ’ વાળી પોસ્ટ ભારે વાયરલ થઈ છે. જયારે મુનાવરનો કાર્યક્રમ રાજયમાં એક પણ શહેરમાં નહી યોજવા દેવા માટે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે.

વડોદરામાં અમે મુનાવરનો કાર્યક્રમ કોઈ પણ ભોગે નહીં થવા દઈએ

મુનાવર ફારુકીનો વડોદરામાં કાર્યક્રમ યોજનારા આયોજકોએ કોઈ જાહેરાત વિના ઈન્ટરનેટ માધ્યમથી ટિકીટનું વેચાણ શરૂ કર્યું છે. મુનાવર ફારુકીના આ કાર્યક્રમની જાણ થતાં જ શહેરના હિન્દુ જાગરણ મંચના ગુજરાત પ્રાંતના અગ્રણી એડવોકેટ નીરજ જૈન તેમજ મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું હતું કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરનારા અને રાષ્ટ્રવિરોધીની છાપ ધરાવતી વ્યકિતનો અમે કોઈ પણ ભોગે વડોદરા કાર્યક્રમ નહી થવા દઈએ અને આ અંગે અમે પોલીસ અને વહીવટીતંત્રને આ કાર્યક્રમની મંજુરી તુંરત રદ કરવા માટે પણ ઉગ્ર રજુઆત કરીશું.