ગાંધીનગર,તા.૨૪

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે હળવું થઇ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના નિયંત્રણોને હળવા કરી દેવામાં આવ્યા છે. જયારે અમદાવાદ અને વડોદરા શહેરમાંથી રાત્રિ કરફયૂને હટાવી દેવામાં આવતા સમગ્ર રાજ્ય રાત્રિ કફર્યૂથી મુક્ત થયું છે.ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે તેને પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં લદાયેલા નિયંત્રણોને હળવા બનાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર આજે રાજ્યના માત્ર બે શહેરોમાં રહેલા રાત્રિ કર્ફ્‌યૂને હટાવી લેવામાં આવ્યો છે. જેના કારણે હવે સમગ્ર ગુજરાત રાત્રિ કર્ફ્‌યૂથી મુક્ત બની ગયું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે રાતના એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના માત્ર બે શહેરો અમદાવાદ અને વડોદરામાં રહેલા રાત્રિ કરફયૂને હટાવી લેવામાં આવ્યો છે.જયારે રાજ્યમાં હજુ પણ કેટલાક નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં તમામ પ્રકરના રાજકીય, સામાજિક (લગ્ન સહીત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમતગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં - ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫ ટકા વ્યક્તિઓની મર્યાદા રખાઈ છે. જયારે બંધ સ્થળોએ ક્ષમતાના મહત્તમ ૫૦ ટકાની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.આ ઉપરાંત તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજીયાત રહેશે.