બાલાસિનોર : ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાલાસિનોરના બજારોમાં અવનવી પતંગોનું આગમન થઈ ચૂક્યું છે, પણ ધંધો કેટલો થશે તેને લઈને વેપારીઓમાં અસમંજસનો માહોલ છે. કોરોના મહામારીની જાગૃતિ અંગેના સૂત્રોના લખાણ ધરાવતી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે ઉત્તરાયણના એક માસ અગાઉથી બાલાસિનોરમાં નાના બાળકો અને યુવાનો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. જાેકે, આ વખતે ઉતરાયણનો કોઈ ખાસ ઉત્સાહ જાેવાં મળતો નથી. બાલાસિનોરના બજારોમાં અનેકવિધ પતંગોનું વેચાણ શરૂ થયું છે. બજારમાં વિવિધ કાર્ટુન વાળી, ઝાલર વાળી, ફિલ્મ સ્ટારના ફોટા વાળી પતંગો ડિસ્પ્લેમાં લાગી ચૂકી છે. ઉપરાંત આ વખતે કોરોના મહામારીને લઈને કોરોના વિશેની જાગૃતિ અંગેના સૂત્રોના લખાણ અને તસવીરો ધરાવતી પતંગોનું પણ વેચાણ થઈ રહ્યું છે. એ સિવાય અલગ અલગ આકાર ધરાવતી ષટકોણ અને પાંચ સડીવાળી ખંભાતી પતંગો આકર્ષણનું કેન્દ્ર છે. દોરામાં પણ વિવિધતા જાેવાં મળે છે.જાેકે, બાલાસિનોરમાં તૈયાર દોરીની ફિરકી કરતાં દોરી હાથે પાઈ અને પતંગ ચગાવવાનું ચલણ વધુ છે. જાેકે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગમાં ૨૦થી ૨૫ ટકા જેટલો ભાવ વધારો થયો છે. 

મહિસાગરમાં ચાઇનીઝ તુક્કલ, માંઝા પર પ્રતિબંધ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તરાયણ તથા અન્ય તહેવારો દરમિયાન સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવાની પ્રથા શરૂ થયેલી છે. ઉત્તરાયણે હજારો ચાઇનીઝ તુક્કલ રાત્રી દરમિયાન ઉડાડવામાં આવે છે. તુક્કલો પવનથી અથવા કોઇ વસ્તુ સાથે અથડાય છે ત્યારે તેને આગ લાગે છે અને તે જમીન પર પડે છે. પરિણામે ઘણી જગ્યાએ આગ લાગવાના બનાવો પણ બને છે. ગયાં વર્ષે ઉત્તરાયણના તહેવાર દરમિયાન આગ લાગવાના બનાવો બન્યાં હતાં. આ ઉપરાંત ચાઇનીઝ માંઝાના ઉપયોગથી પશુ-પંખીઓ કપાઇ જવાના તથા નાગરિકોને ઈજાઓના અનેક કિસ્સા સામે આવ્યાં હતાં. પરિણામે મહિસાગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરી સુધી ચાઇનીઝ તુક્કલ, ફાનસ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્સના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.