અમદાવાદ-

આયુર્વેદ, હોમિયોપથીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજાે બેઠકો ભરવા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનની મંજૂરી આવે એ પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવે છે. આવી કોલેજાે વિરુદ્ધ સીધી વડાપ્રધાન કાર્યાલયમાં ફરિયાદ નોંધાઈ છે. હાલમાં વલસાડ-વાઘલધરાની આરએમડી આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ વિરુદ્ધ બે લાખ ફી પરત ન આપવા બાબતે વડાપ્રધાનને ઓનલાઇન ફરિયાદ થઈ છે તેમ જ ગોધરા-કાંકણપુરની જય જલારામ આયુર્વેદિક કોલેજ ટ્યૂશન ફી પરત ન આપતી હોવાની વડાપ્રધાનને લેખિત ફરિયાદ થઈ છે.

અમરેલીની વસંતાબેન એન. વ્યાસ હોમિયોપથી કોલેજે પણ છેતરપિંડી કરી હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ થઈ છે. પ્રવેશ મેળવવા હાલ પાંચમો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હજુ ૩૨માંથી ૧૫ આયુર્વેદ અને ૩૬માંથી ૧૦ હોમિયોપથી કોલેજને બેઠકો ભરવા સીસીઆઈએમની મંજૂરી મળી નથી, પાંચની તો માન્યતા રદ થઈ છે છતાં આ પૈકી કેટલીક કોલેજાેએ નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવાની શરૂઆત કરી દીધી છે. આક્ષેપ છે કે બે આરોગ્ય અધિકારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંપર્કમાં છે, જેઓ ગેરરીતિની માહિતી સરકાર સુધી પહોંચવા દેતા નથી. બંને અધિકારીની નાયબ મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી છે, જેની હાલ તપાસ ચાલુ છે.

આ અંગે આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિએ કહ્યું હતું કે ફરિયાદો આવી છે, નિયમ મુજબ કાર્યવાહી થશે. આ વર્ષે ચારથી વધુ આયુર્વેદિક, હોમિયોપથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજાે શરૂ કરવા અરજી આવી છે, જેમાં ડૉ. મેહુલ રૂપાણી-ત્રિમંદિર, સુરેન્દ્રનગર, જેઠાભાઈ ભરવાડ-પંચમહાલ, જવાહર ચાવડા-સુભાષ ઇન્સ્ટિટ્યૂટ, જૂનાગઢ અને અન્ય એક રાજકોટમાંથી નવી કોલેજ શરૂ કરવા અરજી આવી છે.