દિલ્હી-

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ દાવા છતાંય અમેરિકામાં કોરોના વાયરસ ફરીથી વિકરાળ રૂપ ધારણ કરી રહ્યા છે. અમેરિકામાં શુક્રવારના રોજ અંદાજે 80 હજાર નવા કેસ સામે આવ્યા જે મહામારીની શરૂઆત બાદ સૌથી વધુ છે. અમેરિકાના 38 રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ ખરાબ છે. બીજીબાજુ ફ્રાન્સમાં પણ કોરોના વાયરસના રેકોર્ડ 42000 નવા કેસ સામે આવ્યા છે. બીજીબાજુ બ્રિટનમાં પણ કોરોના વાયરસ ખરાબ રીતે ફેલાઈ રહ્યો છે, જેના કારણે સખત લોકડાઉન લાગૂ કરવું પડયું છે.

કોરોના વાયરસથી અમેરિકામાં અત્યાર સુધીમાં 2,29,284 લોકો માર્યા ગયા છે અને 8,746,935 લોકોને ચેપ લાગ્યો છે. કોરોના વાયરસના નવા કેસો નોંધાયા હોવાથી અમેરિકા અને ફ્રાન્સ બંનેમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફ્રાન્સમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 34,508 લોકોનાં મોત નીપજ્યાં છે. 

તો દુનિયાભરમાં કોરોના વાયરસથી કુલ મોતની સંખ્યા વધીને 11,49,229  થઈ ગઈ છે. દરમ્યાન અમેરિકામાં સંક્રમિત રોગોના જાણીતા નિષ્ણાત ડૉ. એન્થોની ફાઉચીએ કહ્યું છે કે હવે આખા અમેરિકામાં માસ્કને ફરજીયાત કરી દેવાનો સમય આવી ગયો છે. તેમણે અમેરિકન લોકોને વિનંતી કરી કે તે માસ્કનો ઉપયોગ કોરોના વાયરસ સામે રક્ષણ માટે ચોક્કસ કરો.

દરમ્યાન કોરોના વાયરસના ચેપના કેસોમાં થયેલા વધારાને નિયંત્રિત કરવાના પ્રયત્નો વચ્ચે શુક્રવારથી લાખો બ્રિટનવાસીઓ લોકડાઉનના સખ્ત પ્રતિબંધ હેઠળ આવી ગયા છે. વેલ્સમાં પણ સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. ગ્રેટર માન્ચેસ્ટરની 28 લાખ વસતી પણ મધ્યરાત્રિથી ઇંગ્લેન્ડના લિવરપૂલ સિટી વિસ્તાર અને લંકાશાયરના કડક પ્રતિબંધોમાં સામેલ થઇ ગયું છે, જેમાં લગભગ તમામ વ્યવસાયિક સંસ્થાઓ પણ બંધ રહેશે.

સાઉથ યોર્કશાયરનો વિસ્તાર પણ શનિવારથી ત્રીજી કેટેગરીના કડક પ્રતિબંધોના દાયરામાં આવી જશે. આમ ૭૦ લાખથી વધુ વસતી સખત લોકડાઉન હેઠળ આવી જશે. કોવિડ-19ને લઇ રજૂ કરાયેલી ચેતવણીઓની ત્રીજી કેટેગરીનો અર્થ એ છે કે લોકોને એકબીજાને મળવા પર નિયંત્રણ હશે. આ કેટેગરી હેઠળ આવતા ઘણા વિસ્તારોમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ખોલવા પર પણ પ્રતિબંધ છે. દરમ્યાન વેલ્સમાં પણ શુક્રવાર સાંજથી 19 દિવસનું સંપૂર્ણ લોકડાઉન અમલમાં આવશે, જેના લીધે 31 લાખ લોકો ઘરમાં જ રહેવા મજબૂર રહેશે.