આણંદ : એનડીડીબીના ચેરમેન દિલીપ રથ દ્વારા ૨ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ એનડીડીબીના કૉલ સેન્ટર - પશુ મિત્રને ભારતના પશુપાલકોને સમર્પિત કરાયું હતું. આ પ્રસંગે દિલીપ રથે જણાવ્યું હતું કે, ખેડૂતોને માર્ગદર્શન આપવાથી માંડીને તેમને પશુઓની ઉત્પાદકતા વધારવા માટેની મહત્ત્વપૂર્ણ માહિતી આપવા સુધી એનડીડીબીનું આ કૉલ સેન્ટર પશુપાલકોનું સાચા અર્થમાં સાથી બની રહેશે. આ એક્સક્લૂસિવ કૉલ સેન્ટરનો ઉદ્દેશ્ય ડેરી ઉદ્યોગને વધુ સુદ્રઢ બનાવવાનો અને પશુપાલકોને એક સશક્ત સમુદાય તરીકે ઉભરી આવવામાં મદદરૂપ થવાનો છે. પશુ મિત્ર હાલના કપરાં સમયમાં પશુપાલકોને નોંધપાત્ર રાહત પૂરી પાડશે. 

તે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અંગે જાગૃતિ પેદા કરવામાં સહાયરૂપ થશે. પશુપાલકો પશુઓના સ્વાસ્થ્ય, પશુઓના પોષણ અને પશુઓના પ્રજનન સંબંધિત પ્રશ્નોનું નિરાકણ લાવવા માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન ડેરી કૉઑપરેટિવ્સના બૉર્ડના સભ્યો તરીકે એનડીડીબીના અધિકારીઓ માટે એક પુસ્તિકાનું પણ અનાવરણ કર્યું હતું. આ પુસ્તિકામાં વ્યાપકપણે ડેરી સહકારી મંડળીઓની સ્થાપના, ઉત્ક્રાંતિ અને વિકાસ, નીતિગત શાસન તથા તેના સંબંધિત કાયદાકીય માળખાં અને એનડીડીબી નોમીનીની ભૂમિકા જેવા વિષયોને આવરી લેવામાં આવ્યાં છે. તેમાં સામાજિક-આર્થિક વિકાસ અને ટેકનોલોજિકલ સશક્તિકરણના સાધન તરીકે ડેરી સહકારી મંડળીઓની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ક્યાં કોલ કરી શકાશે?

પશુપાલકો ૭૫૭૪૮૩૫૦૫૧ પર કૉલ કરી શકે છે અને એનડીડીબીના સંબંધિત નિષ્ણાતો દ્વારા તેમનાં પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.

કોલ સેન્ટર પર ક્યારે સંપર્ક કરી શકાશે?

આ સેન્ટરનું સંચાલન કાર્ય દિવસોના રોજ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૯ઃ૩૦થી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી થશે. રજાના દિવસે ખેડૂતો તેમનો રેકોર્ડ કરેલો સંદેશો મૂકી શકે છે અને આગામી કાર્યદિવસે તેમનો સામેથી સંપર્ક સાધવામાં આવશે.