વડોદરા : શહેરના ભાયલી વિસ્તારમાં આવાસ યોજનાના મકાનો પૈકી કેટલાક મકાનો વિધર્મીઓને ફાળવવામાં આવતાં છેલ્લા બે મહિનાથી ભાયલીના રહીશો દ્વારા આંદોલન કરાઈ રહ્યું છે. આજે ભાયલી તેમજ ટીપી-૧ થી પ વિસ્તારનો અશાંતધારામાં સમાવેશ કરવાની માગ સાથે રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

ભાયલી ટીપી-૧ થી પના વિસ્તારમાં બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં વિધર્મીઓને પણ મકાનો ફાળવવામાં આવતાં છેલ્લા બે મહિનાથી સ્થાનિક રહીશો દ્વારા વિધર્મીઓને ફાળવવામાં આવેલ મકાનો રદ કરવાની માગ સાથે સત્તાધીશોને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, અને ભાયલી વિસ્તારનો અશાંતધારામાં સમાવેશ કરવાની માગ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, મહિલાઓ સહિત રહીશો પ્લેકાર્ડ, પોસ્ટર્સ, બેનર સાથે કલેકટર કચેરીએ આવ્યા હતા, જ્યાં કલેટર કચેરીના પ્રાંગણમાં ભાયલી વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાયલી વિસ્તારની મહિલાઓએ આવેદનપત્ર આપ્યું હતું. રહીશોએ જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તાર શાંત રહે તેવું અમે ઈચ્છીએ છીએ, પરંતુ પાલિકાએ બનાવાયેલા આવાસોમાં વિધર્મીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે, જેના કારણે શાંત વિસ્તાર એવા ભાયલીમાં આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ જવાની શકયતા છે.