વડોદરા : રાજ્યની છ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવા આપતા ઈન્ટર્ન તબીબોએ તેમને મળતા સ્ટાઈપેન્ડ તેમજ કોવિડ-૧૯ના ઈન્સેટિવની માગ સાથે એક હજાર જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં આવેલ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના ઈન્ટર્ન તબીબો હડતાળને સમર્થન આપી આજે સવારે આરોગ્ય સેવાઓથી અલિપ્ત રહીને પ્લેકાર્ડ-બેનર સાથે હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.મહેનતાણામાં સરકાર દ્વારા તેમને સ્ટાઈપેન્ડ રૂપે રૂા.૧૩૦૦૦ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, માર્ચથી અત્યાર સુધી કોરોનાની મહામારીમાં તેઓ ખડેપગે સેવાઓ આપી રહ્યા છે. દરમિયાન ૩૦૦ જેટલા તબીબો કોરોના સંક્રમિત પણ બન્યા હતા, તેમ છતાં તેઓને તેમનું મહેનતાણું પણ આપવામાં આવતું નથી. જેથી ઈન્ટર્ન તબીબોમાં ભારે છૂપા રોષની લાગણી ફેલાઈ છે.  

આ મામલે સરકારને અવારનવાર પોતાની માગણીઓ સાથે લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં તેઓને સ્ટાઈપેન્ડ અને કોરોના ઈન્સેટીવ આપવામાં આવે જેવી માગ કરી હતી. જાે કે, હાલ ઈન્ટર્નને સરકાર તરફથી સ્ટાઈપેન્ડ પેટે રૂા.૧૩,૦૦૦ આપવામાં આવે છે તે વધારીને રૂા.૨૦,૦૦૦ કરી આપવા માટે તેમજ ડેડીકેટેડ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા ઈન્ટર્ન તબીબોને પ્રતિદિન રૂા.૧૦૦૦ ઈન્સેટીવ આપવામાં આવે તેવી માગણી સાથે વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું. જાે આ બંને માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર જવા માટે મક્કમ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને માગણીઓને લઈને તબીબોએ સરકાર સમક્ષ અચોક્કસ મુદતની હડતાળના આંદોલનના મંડાણ કર્યા છે જેના ભાગરૂપે રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં તબીબો દ્વારા પ્લેકાર્ડ-બેનર સાથે દેખાવો યોજવામાં આવ્યા હતા. જેના સમર્થનમાં આજે શહેરની સયાજી હોસ્પિટલના ૧૮૦ અને ગોત્રી હોસ્પિટલના ૧૫૦ જેટલા ઈન્ટર્ન ડોકટરો જાેડાયા હતા અને કેમ્પસમાં પ્લેકાર્ડ-બેનલ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઈન્ટર્ન તબીબો બિનશરતી હડતાળ પરત નહીં ખેંચે તો કડક કાર્યવાહી કરાશે ઃ નાયબ મુખ્યમંત્રી

વડોદરા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જુનિયર તબીબોની હડતાળ સહિતના વિવિધ મુદ્‌ાઓ પર પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે જુનિયર ડોકટરોની હડતાળને અયોગ્ય ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, બહારથી આવતા તબીબો લાખો રૂપિયા ભરે છે ત્યારે તેમને ઈન્ટર્ન પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીંયાં સરકાર પ્રેક્ટિસની સામે સ્ટાઈપેન્ડ રૂપે રૂા.૧૨,૦૦૦ જેટલી રકમ આપે છે. હડતાળ પર ઉતરેલા જુનિયર ડોકટરોને સંદેશો આપતાં જણાવ્યું હતું કે, ડોકટરો કોરોનાના નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. આ હડતાળ અયોગ્ય છે. નાયબ મુખ્યમંત્રીએ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, ડોકટરો બિનશરતી હડતાળ પરત નહીં ખેંચે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જાે કે, ડોકટર્સ માટે જ નહીં પરંતુ હાલમાં ગાંધીનગરમાં અનેક પ્રકારના ધરણાં ચાલી રહ્યાં છે જેમાં એક યા બીજા કારણોસર સરકારને દબાણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.