નડિયાદ : ખેડા જિલ્લા ભાજપનું સુકાન મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હાથમાં સોંપવામાં આવ્યું છે. ક્ષત્રિયોના ગઢ ગણાતાં ચરોતરના આ પ્રદેશમાં ૪૪ વર્ષિય અર્જુનસિંહ હવે ધારાસભ્યની સાથે જિલ્લા પ્રમુખ બની ગયાં છે. બીજી તરફ આણંદનું સુકાન વિપુલભાઈ પટેલના હાથમાં સોંપવામાં આવ્યું છે. લાંબા સમયથી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લાના સંગઠનોમાં ફેરફાર કરનાના અંદેશા આપી દેવાયાં છે. આજે તમામ જિલ્લાના પ્રમુખોની વરણી કરી દેવાઈ છે. આ સાથે જ ખેડા જિલ્લાના ભાજપ વડા તરીકે અર્જુનસિંહની એન્ટ્રી થતાં સાંસદ દેવુસિંહ ચૌહાણ આઉટ થઈ ગયાં છે. 

ખેડા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી પ્રમુખ રહેલાં અને ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણને કેસરિયો નડ્યો છે, જ્યારે અર્જુનસિંહને કેસરિયો ફળ્યો છે. આ પાછળ હાલ જિલ્લામાં ચાલતી રાજકીય ચર્ચાઓ મુજબ ગુજરાત રાજ્યમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ચરોતર પ્રદેશના જ દિગ્ગજ નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને જીતાડવા માટે જે-તે સમયે દેવુસિંહના ખાસ ગણાતાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણે ક્રોસ વોટિંગ કરવાનું મન બનાવ્યું હતું. આ ક્રોસ વોટિંગ કરાવવામાં ખુદ દેવુસિંહ ચૌહાણને પણ રસ હતો, તેવી ચર્ચાઓ વહેતી થયાં બાદ કેસરીસિંહને બીમાર દર્શાવી તેમનો વોટ પ્રતિનિધિ દ્વારા અપાવ્યો હતો, જેથી કેસરીસિંહ વાળી ઘટનાને કારણે દેવુસિંહનું પત્તુ કટ થયંુ હોય તેવી ચર્ચા છે અને તેને કારણે જ દેવુંસિંહને ‘કેસરિયો’ નડ્યો હોવાનું જિલ્લાના રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે. બીજીતરફ અર્જુનસિંહ ચૌહાણ મૂળ કેસરિયા એટલે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જાેડાયેલાં છે, જેથી આરએસએસના કેસરિયા મૂળીયા તેમને જિલ્લા પ્રમુખ બનાવમાં ફળ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

અર્જુનસિંહ ચૌહાણ ૨૦૧૭માં પ્રથમવાર મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતાં. તેમની સામે કોંગ્રેસના દિગ્ગજ અને અન્ય સ્થાનિક મોટા નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. અર્જુનસિંહનું મૂળ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હોવાથી તેઓને જીત અપાવવામાં આરએસએસના કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અર્જૂનસિંહ સામે કેવાં પડકારો છે?

ખેડા જિલ્લા ભાજપનું સુકાન સંભાળ્યાં બાદ અર્જુનસિંહ ચૌહાણ માટે લગભગ કોઈ મોટા પડકાર નહીં હોય તેમ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યાં છે. ખેડા જિલ્લા કોંગ્રેસ જે રીતે નબળી અને વિરોધ પક્ષ તરીકે અક્ષમ જણાઈ રહી છે, તે રીતે ભાજપે ફક્ત પોતાનો પ્રચાર કરીને જ આવનારી ચૂંટણીઓ જીતવાની રહેશે તેમ લાગી રહ્યું છે. આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ હવે અર્જુનસિંહની બોલબાલા રહેશે અને તેઓ સક્ષમતા પૂર્વક આ ચૂંટણીઓમાં મેદાન મારશે, તેમ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

દેવુસિંહનું પત્તુ કેમ કપાયું?

આ તમામ બાબત વચ્ચે એક મહત્વની ચર્ચા એ ચાલી રહી છે કે, આખરે દેવુસિંહનું પત્તુ કેમ કપાયંુ? આ બાબતે રાજકીય ગલીઓમાં ચાલતી ચર્ચાઓ મુજબ છેલ્લાં કેટલાંય સમયથી ખેડા જિલ્લામાં ભાજપની પડતી શરૂ થઈ છે. કઠલાલમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી લીધી હતી, જ્યારે કપડવંજમાં તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસનો વિજય થયો હતો. આ તરફ ચકલાસીમાં પણ જ્યાં ભાજપ મજબૂત હતંુ ત્યાં કોંગ્રેસે નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરી, ઉપરાંત મહુધા નગરપાલિકા જ્યા વર્ષોથી ભાજપ બિરાજમાન હતું ત્યાં પણ કોંગ્રેસ બાજી મારી ગઈ હતી. સાથોસાથ ખેડા નગરપાલિકામાં પણ સત્તાપરિવર્તન થયેલંુ જાેવાં મળ્યું હતું. ત્યારે આ તમામ હાર પાછળ જવાબદાર કોણ અને સરળતાથી વિજય મેળવાય ત્યાં ભાજપ નબળું કેમ પડ્યંુ કે પછી તેને નબળંુ પાડવામાં આવ્યું? આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પ્રદેશની બોડી દ્વારા દેવુસિંહને પાછળ કરી અર્જુનસિંહને આગળ કરાયાં હોવાની ચર્ચા છે.