સુરત,તા.૧ 

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગત રોજ ૧.૫૯ લાખ ક્યૂસેક પાણી સુધી આઉટફ્લો કરવામાં આવ્યો હતો. જોકે, સપ્ટેમ્બરમાં ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફૂટ હોવાથી આઉટફ્લો ઘટાડી દેવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૩૬.૩૯ ફૂટ છે. અત્યાર સુધી ઉકાઈ ડેમમાંથી છોડવવામાં આવતા પાણીના કારણે તાપી નદીની સપાટી વધી હતી. જોકે, હવે આઉટફ્લો ઘટતા નદીની સપાટી ઘટી ગઇ છે. ખાડીઓના લેવલમાં પણ ઘટાડો થતા પાણી આસર્યા છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના ઘટાડા સાથે જ મહારાષ્ટ્રના હથનૂર ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી દેવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં આગામી દિવસોમાં પાણીનો મોટો જથ્થો આવવાનો નહીં હોવાથી તંત્ર તબક્કાવાર પાણી છોડવાનું ઘટાડી દઈને સપાટી ઉપર લઈ જવા કવાયત હાથ ધરી છે. ગત રોજ ૧.૫૯ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા તાપી નદીની સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, સાંજ સુધીમાં આઉટફ્લો ઘટાડાયો હતો. સોમવારથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફૂટ થઈ ગયું છે. જ્યારે ઉકાઈ ડેમને ૩૪૫ ફૂટ સુધી ભરી શકાય છે. જાકે વરસાદનો જાર ઘટી જવાથી હથનુર ડેમમાથી પાણી છોડવાની માત્રમાં ઘટાડો કરી ૨૪૩૫૫ કયુસેક કરવામાં આવ્યો છે. જેથી હથનુર ડેમની સપાટી વધીને ૨૧૧.૨૫ મીટરે પહોચી છે.જેથી ઉકાઈ ડેમમાં પણ પાણીની માત્ર ઘટી જવા પામી છ. હાલ ઉકાઇમાં ૯૨ હજાર ક્યૂસેક પાણીની આવક સામે ૧૨ હજાર કયૂસેક પાણીની જાવક છે.ઉકાઈ ડેમની સપાટી ૩૩૬.૩૯ ફૂટ પર પહોંચી છે આમ, પાણી છોડવાનું ઓછુ કરાતા તાપી નદીનું લેવલ ઘટી ગયુ છે. જેથી કોઝવેની સપાટી ઘટીને ૭.૪૫ મીટરે પહોચી છે. આ ઉપરાંત કાકારાપાર ડેમની સપાટી પણ ઘટીને ૧૬૨.૫૦ ફુટે પહોચતા ડેમમાંથી પાણી માત્ર ૨૪૩૦૦ કયુસેક પાણી છોડવાનું યથાવત રાખ્યુ છે.