દિલ્હી-

કોરોના મહામારી માં લોકો ને કોરોના સંક્રમણ થી બચાવવા માટે ડિસઇન્ફેક્શન ટનલ નો ઠેરઠેર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એક આવી ટનલ બનાવવા પાછળ 10 હજારથી 25 લાખ રૂ. જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે મોટાભાગે એરપોર્ટ, મૉલ્સ તેમ જ ઘણા સરકારી ભવનોમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ ટનલ લોકો ના સ્વાસ્થ માટે નુકસાનકારક હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દેશભરમાં વિવિધ સ્થળે કોરોના સંક્રમણથી બચાવ માટે લગાવાતી ડિસઇન્ફેક્શન ટનલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. તેથી તેનો ઉપયોગ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે તેવી કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી.

સુપ્રીમકોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી તથા એમ. આર. શાહની બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકારે કહ્યું કે આ સંદર્ભે ટૂંક સમયમાં દેશભરમાં જાહેરનામું બહાર પડાશે. સુપ્રીમ સમક્ષ ગુરસિમરન સિંહ નરુલાએ પીઆઇએલ દાખલ કરીને ડિસઇન્ફેક્શન ટનલ પ્રતિબંધિત કરવા માગ કરી હતી.

સોમવારે સુપ્રીમકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે વિવિધ હેલ્થ એજન્સીઓના રિસર્ચથી માલૂમ પડ્યું છે કે એરપોર્ટ, રેલવે સ્ટેશન, મૉલ તથા અન્ય સ્થળોએ લોકોને કોરોના સંક્રમણથી બચાવવા સેનિટાઇઝરનો છંટકાવ કરતી ટનલ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને સંબંધિત એજન્સીઓને તેનો ઉપયોગ બંધ કરવા જણાવશે.આમ હવે થી તેનો ઉપયોગ બંધ કરી દેવાશે પણ અત્યારસુધી જે લોકો ને સ્વાસ્થ્ય સંબંધી જે નુકસાન થયું તે માટે કોણ જવાબદાર તે સવાલ હવામાં લટકી રહ્યો છે.