વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતની સયાજીગંજની સ્ટાર હોટલમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. પરંતુ આ મામલે કોંગ્રેસના ગાજેલા મેઘ જોઈએ એવા વરસ્યા નહોતા. જેને લઈને અવિશ્વાસની દરખાસ્તનો અમલ કરાયો નહોતો. પરંતુ એને ઉભી રખાતા જિલ્લા પ્રમુખના માથા પર અવિશ્વાસની તલવાર હજુ લટકતી રહેવા દીધી છે. જેને લઈને આગામી ૧૫ દિવસમાં કાયદાકીય રીતે જોતા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પુનઃ બોલાવવી પડશે એમ મનાય છે. જોકે જિલ્લાના શાસકો દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના મૂળ અંદાજપત્રમાં સુધારા વધારા કરીને મનસ્વી રીતે વહીવટ કરવાના સ્વપ્ન રોળાઈ ગયા હતા. આ કામને મંજૂરી મળે નહિ એને માટે કોંગ્રેસ દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  

શહેરના સયાજીગંજ ખાતે પારસી અગિયારી સામે આવેલ એક સ્ટાર હોટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. વર્તમાન બોર્ડની અંતિમ સભા જિલ્લા પ્રમુખના જન્મદિને સ્ટાર હોટલમાં યોજાઈ હોઈ એનો ભારે વિરોધ ઉઠવા પામ્યો હતો. આખરે આ સભાનો ખર્ચ જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને આજે બીજા જેમનો જન્મદિવસ હતો એવા આરોગ્ય સમિતિના અધ્યક્ષ વચ્ચે વહેંચી દઈને બિલની ચુકવણી કરવામાં આવશે. એવી સ્પષ્ટતા જિલ્લા ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઝવેરીએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું.

આ સભામાં ૧૬ કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા. જે પૈકી એક કામને બાકી રાખતા તમામ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ કામોમાં સત્તાધીશો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સાથે હાથ મિલાવીને વર્ષ ૨૦૨૦-૨૧ના મૂળ અંદાજપત્રમાં સુધારો લાવવાનું જે કામ લાવવામાં આવ્યું હતું. એનો કોંગ્રેસના સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. જેને લઈને આ કામની ચર્ચા મુલતવી રખાઈ હતી. આજની સભામાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પોતાના વિભાગની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાની જે જે શાળાઓના મકાનો જર્જરિત થઇ ગયા છે. એને ઉતારવા બાબતનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ સભામાં રેતી, કંકર, સ્ટેમ્પ ડ્યુટીના કામો, પ્રાથમિક,વહીવટી, સુધારા-વધારાના કામો બાબતે સભ્યોને એની માહિતી ન અપાતા ઉહાપોહ મચાવ્યો હતો. તેમજ આમાં કૌભાંડ કર્યાના આક્ષેપો એક તબક્કે કરાયા હતા. આખરે ચાલુ સભાએ યાદી અપાતા કામને બહાલી આપવા સભ્યો સહમત થયા હતા. એકંદરે આજની સભા તોફાની બની રહી હતી. પરંતુ પ્રમુખ ખુરશી બચાવવામાં સફળ રહેવા પામ્યા છે.