મોડાસા-

સામાન્ય રીતે ગુજરાતમાં દારુબંધીછે પરંતુ ગુજરાતમાં દારૂ મળવો અને પીવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે દારૂડિયા પતિઓ દારૂના નશામાં પત્નીઓ ઉપર અત્યાચાર ગુજરાતા હોવાની ઘટનાઓ પણ છાસવારે બનતી રહે છે દારૂના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ ગયા છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કાબોલા ગામે દારૂના નશામાં ભાન ભૂલેલા પતિએ તેની પત્ની સાથે ઝગડો કરી એટલેથી ન અટકતા તેની પત્ની અને ત્રણ સંતાનોને જીવતા સળગાવી દેવા ઘરને આગ લગાવી દેતા ભારે ચકચાર મચી હતી સદ્નસીબે મહિલા તેના ત્રણ સંતાનો સાથે ઘરમાંથી બહાર દોડી આવી જીવ બચાવવા પાડોશીના ઘરે સંતાઈ હતી દારુડિયા પતિથી કંટાળીને મહિલાએ અભયમની ટીમ પાસે મદદ માંગી હતી. મહિલાને દારુડિયા પતિના રોજબરોજના ત્રાસમાંથી મૂક્તિ આપવાની સાથે 181 અભયમ હેલ્પલાઈને બેજવાબદાર પતિને તેની જવાબદારીનું ભાન કરાવી મોડાસા રૂરલ પોલીસને સોંપી દીધો હતો મહિલા અને તેના ત્રણ સંતાનોને સહીસલામત તેના પિયરમાં પહોંચાડી હતી.

અસહ્ય બનેલા પતિના ત્રાસથી હારી થાકી ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા ઘટનાની ગંભીરતા સમજી અરવલ્લી 181 અભયમ ટીમના કાઉન્સિલર શિલ્પા ગામીત,કોન્સ્ટેબલ પિન્ટુબેન અને પાયલોટ વિક્રમસિંહ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પતિના હિચકારા કૃત્યથી હેબતાઈ ગયેલ મહિલાને હિંમત આપી તેના પિયરપક્ષ સહી સલામત પહોંચાડી હતી. અભયમ ટીમે દારૂડિયા યુવકને કાયદાના પાઠ ભણાવવા પોલીસની મદદ લઇ પોલીસને સોંપી દીધો હતો મોડાસા રૂરલ પોલીસે દારૂડિયા યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.