વડોદરા, તા.૧૦

જિલ્લા એલસીબીના વિવાદાસ્પદ જવાન અને ટોળકીએ ઝડપી પાડેલા વિદેશી દારૂના કન્ટેનરમાંથી રૂા.૧૦ લાખની કિંમતનો દારૂનો જથ્થો સગેવગે કરવાની માહિતી બહાર આવતાં ખુદ જિલ્લા પોલીસવડા ચોંકી ઊઠયા છે અને આ સમગ્ર કૌભાંડની તાત્કાલિક તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

ખુદ પોલીસે ભજવેલા બૂટલેગરના રોલમાં અસલમની સાથે એલસીબીના અન્ય જવાનોની સંડોવણી પણ હોવાનું કહેવાય છે. ત્યારે છેલ્લાં એક મહિનામાં આ ટોળકીએ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી લાખો રૂપિયાની કમાણી કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. એલસીબીની આ ટોળકી અને તેમના પરિવારજનોના બેન્ક એકાઉન્ટ અને મિલકતોની તપાસ થાય તો લાંબા સમયથી આ લૂંટ ચાલતી હોવાનું બહાર આવી શકે છે.

જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈએ મામલાની ગંભીરતા જાેતાં ડીવાયએસપી સુદર્શનસિંહ વાળાને આ અંગેની તપાસ સોંપી રિપોર્ટ સબમિટ કરવાની સૂચના આપી છે જેમાં હાલ સબજેલમાં રહેલા કન્ટેનરના ચાલક મોહરસિંગના નિવેદનથી માંડી હાલોલથી વડોદરા સુધીના માર્ગો ઉપર આવેલા સરકારી સીસીટીવી અને ખાનગી સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવાશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

લાંબા સમયથી એલસીબી દ્વારા આવી પ્રવૃત્તિ કરાતી હોવાનું કહેવાય છે. ત્યારે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે પણ આ મામલાની તપાસ થશે જેમાં એલસીબીના અસલમ સહિતના અન્ય કર્મચારીઓના મોબાઈલ ફોનના લોકેશન પણ મેળવવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

વાહનની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બધો ભેદ ખોલશે

રૂા.૧૦ લાખનો દારૂ સગેવગે કરવાના મામલામાં કન્ટેનરમાં લગાવાયેલું જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમની પણ તપાસ થશે. જાે એમાં રૂપિયા ઉપરાંત વાહન કેટલા સમય ક્યાં રોકાયું હતું એની માહિતી મેળવાય તો એલસીબી જવાનોએ કરેલા ગંભીર ગુનાની રજેરજની માહિતી બહાર આવી શકે એમ છે.

બીજા કયા કયા ૫ો.કો.ની સંડોવણી

ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર બૂટલેટરની પ્રવૃત્તિ કરનારી એલસીબીની ટોળકીમાં અસલમ ઉપરાંત કનુભાઈ, ભૂપતભાઈ, સિદ્ધરાજસિંહ, વિનોદસિંહની પણ આ ૧૦ લાખના વિદેશી દારૂ સગેવગે કરવામાં સંડોવણી હોવાનું માનવામાં આવે છે. જાે કે, એ તો તપાસના અંતે બહાર આવશે. પરંતુ આવા પ્રકારની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોવાનું કહેવાય છે.