માંડવી, માંડવી પાલિકાનાં ડંપિંગ યાર્ડની બાજુમાં વાઘનેરા ખાળી પર આવેલ પૂલનો મધ્યનો ભાગ થોડો ઉપર આવી જતા વાહન ચાલકોનાં વાહનોમાં નુકસાન થતું હોવાથી તેઓમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. તેમજ પૂલનાં એ ભાગમાં પૂલની રેલિંગ અને માર્ગ વચ્ચે મોટી તિરાડ પડી જતા પૂલનું અસ્તિત્વ જાેખમાતુ હોય તેવું નજરે પડી રહ્યું છે. પરંતુ જવાદબાર અધિકારી પાસે સ્થળ મુલાકાત કરી સમસ્યાનું સમાધાન લાવવાની પણ ફુરસત નથી.

પૂલનો મધ્યનો ભાગ ઉપસી આવતા તેમજ બાજુમાં તિરાડ પડતા જ્યારે પૂલ પરથી કોઈ વાહન પસાર થાય તો તે ભાગમાં કંપન પણ અનુભવાય છે. તદુપરાંત પૂલની રેલિંગનો એક ભાગ તૂટી ગયો હોવા છતાં હજુ તેને બનાવવામાં આવ્યો નથી. આ પૂલ માંડવી સુપડી વિસ્તાર ખાતે આવેલ નાયબ કાર્યપાલ ઈજનેરની કચેરીનાં અધિકારીની અંડરમાં આવતો હોવાથી જાગૃત નાગરિક દ્વારા તેઓને જાણ પણ કરાય હતી. પરંતુ કદાચ તેઓ દ્વારા કોઈ મોટો અકસ્માત થવાની રાહ જાેવાતી હોય તેમ જણાય રહ્યું છે. તો પૂલ વધુ ભય જનક સ્થિતિમાં આવે કે કોઈ મોટી ઘટના સર્જાય તે પહેલાં જવાબદાર અધિકારી દ્વારા તેનું યોગ્ય સમારકામ કરાવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.