ગાંધીનગર-

રાજ્ય સરકાર દ્વારા પીવા માટે અપાતાં નર્મદાનાં પાણીને લેવાનો ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાનાં 44 ગામોએ ઇનકાર કરી દીધો છે.રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાના નાગરિકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી આપવા માટે નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ ગાંધીનગર જિલ્લાના 44 ગામોએ નર્મદાનું પાણી લેવા માટેનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે.

આ અગાઉ પણ ગાંધીનગર જિલ્લાના 100 થી વધુ ગામો દ્વારા નર્મદાનું પાણી લેવામાં આવતું ન હતું. પરંતુ આ ગામોના ઇનકાર બાદ સરકારી તંત્ર દ્વારા છેલ્લા સાત વર્ષથી ખાસ એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી તંત્રને કહી શકાય તેવી સારી સફળતા મળી હતી. જો કે આ દરમિયાનમાં છેલ્લા બે વર્ષથી સરકારી તંત્રના આ અભિયાનમાં ઓટ આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનારા નર્મદાનાં પાણીને લેવાનો ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાનાં જે 44 ગામો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગર તાલુકાનાં નવ ગામો, કલોલ તાલુકાનાં 23 ગામો દહેગામ તાલુકાનાં સાત ગામો અને માણસા તાલુકા પાંચ ગામોનો સમાવેશ થાય છે.આ અંગે ગાંધીનગર જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આ ગામોમાં ભૂગર્ભ જળના સ્તર નીચે ઉતારી ગયા હોવાનું જણાવાયું છે, અને તાકીદે આ ગામો ઝડપથી નર્મદાનાં પાણી લેતાં થાય તે જોવા માટે તંત્રનો સહયોગ માંગવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લો એ ભૂગર્ભ જળ માટે ઓવર એકસ્પોલોઇરેઝશન કેટેગરીમાં આવે છે. અહી, ભૂગર્ભ જળના સ્તર ઘણાં ઊંડા જતાં રહ્યાં છે. જેના કારણે હવે પાણી ખેંચવા માટેની મોટરો પણ વધુ હોર્સ પાવરની વાપરવી પડી રહી છે.આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં પેયજળનો પુરવઠો અને તેની ગુણવત્તાને લઈને પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લે જિલ્લાના 10 ગામોના પાણીના નમુનાઓ નિષ્ફળ રહ્યાં હતા. તંત્ર દ્વારા હવે પીવાના પાણીના મામલે ઝડપથી યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવું જાણતા ઈચ્છી રહી છે.