દેવભૂમિ દ્વારકા-

દ્વારકા નજીકના રૂપેણ બંદર ઉપર માછીમારી કરતી બોટો જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કર્યા વગર અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગઈ છે, તેવી બાતમી મળતા દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે 27 જેટલી માછીમારી બોટ રૂપેણ બંદરના ફિશરીસ કચેરીએ નોંધણી કરાવ્યાં વગર જતી રહી હોવાનું માલુમ પડતાં તમામ બોટ માલિકોને દ્વારકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં અને તમામ માછીમારી બોટના લાયસન્સ અને જરૂરી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

27 જેટલી માછીમારી નાની હોડીઓ દસ્તાવેજ વગર જ અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગઈ હોવાની જાણ થતાં ઓખા ફિશરીસ ખાતાના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યાં હતાં. તમામ માછીમારોને બોલાવીને નિયમનો ભંગ કરનારા બોટ માલિકોના દસ્તાવેજોને જપ્ત કરી ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને રૂપિયા પાંચ હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો. ભવિષ્યમાં જો આવો ફરી ગુનો કરવામાં આવશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના ઓખા ફિશરીસ ખાતા દ્વારા આપવામાં આવી હતી.