ગાંધીનગર-

એક મહિલાને કેનેડાની પરમેનન્ટ રેસિડન્સી માટે પોલીસ વેરિફિકેશન સર્ટીફિકેટની જરૂરિયાત હોઇ તેણે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તેને આ સર્ટીફિકેટ આપવામાં આવ્યું ન હતું. જેને કારણે મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે કેનેડાની ભારતીય એમ્બસીને પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ગાંધીનગરની મહિલા વર્ષ 2016થી કેનેડામાં રહે છે. જોકે આગામી દિવસોમાં આ મહિલાને કેનેડાની કાયમી વસવાટની પરવાનગી મળી રહી છે. જેથી પોલીસ સ્ટેશનમાં પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવા માટે આ મહિલાએ અરજી કરી હતી. પરંતુ મહિલાને આ સર્ટી આપવામાં આવ્યું નહોતું. આ બાબતે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કેનેડા ખાતેની ભારતીય એમ્બેસીને પક્ષકાર બનાવવા માટે આદેશ કર્યો છે. આ કેસની હવે પછીની સુનાવણી 22 ઓક્ટોબરે મુકરર કરવામાં આવી છે. જોકે આ પોલીસ વેરિફિકેશન સર્ટીફિકેટની અરજી સામે મહિલાના સાસરી પક્ષ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી જેને કારણે તેને પ્રમાણપત્ર મળ્યુ ન હતું. જોકે ત્યાર બાદ પોલીસે મહિલાને કાયદા અનુસાર મળવાપાત્ર પ્રમાણપત્ર આપી દીધું હતું જોકે આ મામલો છેક વડી અદાલત સુધી પહોંચતા હવે કોર્ટે સમગ્ર મામલે કેનાડ સ્થિત ભારતીય દૂતાલયને પક્ષકાર બનાવવાનો હુકમ કર્યો છે.