કર્ણાટક 
ટ્વિટર ઇન્ડિયાના વડા મનીષ મહેશ્વરીએ કર્ણાટક હાઇકોર્ટમાં ગાઝિયાબાદમાં મુસ્લિમ શખ્સના હુમલાથી સંબંધિત પોસ્ટ કેસમાં સુરક્ષાની અપીલ દાખલ કરી છે. જેના પર 3 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. તે પછી જ તે નક્કી કરવામાં આવશે કે ટ્વિટર હેડ તપાસમાં જોડાવા માટે સક્ષમ હશે કે નહીં. મળતી માહિતી મુજબ ટ્વિટર ભારતના વડા હાલમાં દિલ્હીમાં હાજર છે અને કર્ણાટક હાઈકોર્ટની સુનાવણી અને નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
પોલીસ સૂત્રોએ ગુરુવારે સવારે કહ્યું કે, ટ્વિટર ચીફ મનીષ મહેશ્વરી આજે દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ પર આવેલા લોની પોલીસ સ્ટેશન પહોંચશે. યુપીના ગાઝિયાબાદમાં એક મુસ્લિમ શખ્સ પર થયેલા હુમલા અંગેના ટ્વીટ સંદર્ભે તેમની પૂછપરછ કરવામાં આવશે. મહેશ્વરીએ આ મામલે આગોતરા જામીન મેળવવા કર્ણાટક હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 23 જૂને આ અરજી કરવામાં આવી હતી.
પોલીસ મથક સમયસર પહોંચી શક્યા ન હતા
મહેશ્વરીએ સોમવારે કહ્યું હતું કે, તેઓ વીડિયો કોલ દ્વારા પૂછપરછ માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ સવારે 10.30 વાગ્યે પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સર્કલ ઓફિસર (લોની) અતુલકુમાર સોનકરને ટાંકીને જણાવ્યું છે: “તેઓ આપેલા સમય પર પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા અને બપોર સુધીમાં અહીં પહોંચવાની ધારણા છે. હકીકતમાં, 5 જૂને ગાઝિયાબાદના લોનીમાં એક મુસ્લિમ વડીલને માર મારવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર વાયરલ થયો હતો.”
વીડિયોમાં કેટલાક યુવકો વૃદ્ધ વ્યક્તિને માર મારતા નજરે પડ્યા હતા. આ અંગે પોલીસે કહ્યું હતું કે, સોશ્યલ મીડિયા પર તેને ખોટી રીતે કોમી રંગ આપવામાં આવ્યો છે, જેના માટે પોલીસે ટ્વિટર સહિત 7 લોકો સામે કેસ નોંધ્યો છે. સરકારે 25 મેના રોજ આઇટી નિયમો લાગુ કર્યા હતા, જે ટ્વિટર દ્વારા લાગુ કરવામાં આવ્યા ન હતા, જેના પછી ટ્વિટરથી કાનૂની રક્ષણનો અંત આવી ગયો છે. આ પછી ટ્વિટર ભારતીય કાયદાઓના દાયરામાં આવી ગયું છે અને હવે તેને કોઈપણ વાંધાજનક સામગ્રી માટે જવાબદાર ઠેરવી શકાય છે. ભારતીય કાયદાઓના દાયરામાં આવ્યા પછી જ ટ્વિટર પર ગાઝિયાબાદમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો છે.