એડિલેડ-ઓસ્ટ્રેલિયા, તા.૧૨

ગ્લેન મેક્સવેલની આક્રમક અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ ટીમને ૩૪ રને હરાવવાની સાથે શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્‌સમેન ગ્લેન મેક્સવેલે ટી૨૦માં પાંચમી સદી ફટકારવાની સાથે જ ભારતના કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. મેક્સવેલના ૫૫ બોલમાં અણનમ ૧૨૦ રનના સહારે ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે ૨૪૧ રન નોંધાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમે પણ વળતી લડત આપી હતી અને તેટલી જ ઓવરમાં ૨૦૭ રન કર્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલના ૬૩ રન સર્વોચ્ચ રહ્યા હતા. આન્દ્રે રસેલે ૧૬ બોલમાં ૩૭ રનની ઈનિંગ્સ રમી હતી. જેસન હોલ્ડરે છેલ્લે લડત આપતા ૧૬ બોલમાં અણનમ ૨૮ રન કર્યા હતા પરંતુ તે ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં ૧૧ રને જીત મેળવતા ત્રણ ટી૨૦ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી છે અને પર્થમાં ૧૩ ફેબ્રુઆરીએ રમાનાર ત્રીજી ટી૨૦ ઔપચારિક રહેશે. ગ્લેન મેક્સવેલ ૫૫ બોલમાં ૧૨ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે ૧૨૦ રન કરીને નોટ આઉટ રહેતા મેન ઓફ ધ મેચ બન્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝે સાતમી ઓવરમાં જ ૬૩ રનમાં પાંચ વિકેટ ગુમાવતા તે ફસડાયું હતું. કેપ્ટન રોવમેન પોવેલે ૩૬ બોલમાં ૬૩ રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે છઠ્ઠી વિકેટ માટે રસેલ (૩૭) સાથે ૪૬ રનની પાર્ટનરશિપ કરીને બેટિંગમાં સ્થિરતા લાવવા પ્રયાસ કર્યો હતો.