વડોદરા : કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં રાજ્ય સરકાર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ આપવાની સાથે તમામ દુકાનો તા.૧૧મીથી સાંજે ૭ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ આપતાં વેપારીઓ તેમજ રેસ્ટોરન્ટના સંચાલકોએ ખુશી વ્યક્ત કરી છે. આ ઉપરાંત જિમ્નેશિયમ પણ તા.૧૧ જૂન, ૨૦૨૧ના રોજ સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. જેમાં રેસ્ટોરન્ટ, હોટેલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂનથી ર૬ જૂનના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતાના પ૦ ટકા સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧ર વાગ્યા સુધી થઈ શકશે.

રાત્રિ કરફયૂનો અમલ યથાવત્‌ રાખવામાં આવ્યો છે પરંતુ તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વાણિજ્યિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવાનો નિર્ણય કરાતાં રાહત અનુભવી છે. જિમ્નેશિયમ પ૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસપોપીનું પાલન આવશ્યક રહેશે. આમ રાજ્ય સરકારે છૂટછાટ આપી નિયંત્રણો હળવા કરતાં વડોદરાના હોટેલ, રેસ્ટોરન્ટના સંચાલકો, વેપારીઓ અને જિમ સંચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી.