મુંબઈ-

મુંબઈ અને આસપાસ મોડી રાતથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચવાની સાથે અનેક સ્થળોએ પાણી ભરાતાં લોકલ ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. કોરોનાના દરદીઓની સારવારમાં મદદરૂપ થઈ રહેલા નર્સ તથા મેડિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને આને લીધે કામકાજના સ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી. સોમવાર રાતથી ગઈ કાલે બપોર સુધીમાં તળમુંબઈમાં ૨૩૦ મિલીમીટર, પૂર્વનાં પરાંમાં ૧૬૨ મિલીમીટર અને પશ્ચિમનાં પરાંમાં ૧૬૨ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

શહેરનાં અનેક સ્થળોએ ૨૪ કલાકમાં ૨૬૮ મિલીમીટર એટલે કે ૧૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સમયે દરિયામાં ભરતી હોવાથી ભાયખલા, દાદર અને મહાલક્ષ્‍મી જેવાં અનેક નીચાણવાળાં સ્થળોએ પાણી ભરાયાં હતાં. હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં પણ અતિથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરતાં મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે. 

તળમુંબઈ સાથે કાંદિવલી, કુર્લા, સાયન અને ભાંડુપના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાતાં અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જૅમ થયો હતો. મુંબઈ સેન્ટ્રલમાં આવેલી પાલિકા સંચાલિત નાયર હૉસ્પિટલ પરિસરમાં ગોઠણ સુધી પાણી ભરાયાં હતાં. આને કારણે મેડિકલ સ્ટાફ અને નર્સોને હૉસ્પિટલમાં પહોંચવામાં મુશ્કેલી થઈ હતી. 

હૉલિડે ડિકલેર થયો હતો ભારે વરસાદને પગલે ટ્રેન અને વાહનવ્યવહાર ખોરવાયો હોવાથી લોકોને કામકાજના સ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું સવારે ધ્યાનમાં આવતાં સરકારે હૉલિડે જાહેર કર્યો હતો. રાજ્યના રિલીફ ઍન્ડ રીહૅબિલિટેશન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બનતાં સરકારી ઑફિસોમાં રજા જાહેર કરાઈ હતી. 

ટ્રેન-વ્યવહાર ખોરવાયો હતો ભારે વરસાદને પગલે મુંબઈની વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર મળી ત્રણેય લાઇનની લોકલ ટ્રેનો ગઈ કાલે સવારે બંધ કરી દેવી પડી હતી. અનેક જગ્યાએ પાટા પર પાણી ભરાતાં રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. રેલવેના અધિકારીઓએ ટ્‌વીટ કર્યું હતું કે હાર્બર લાઇનમાં વડાલા અને પરેલ, સેન્ટ્રલ લાઇનમાં વાશી અને પનવેલ તેમ જ થાણે અને કલ્યાણ લાઇન તથા વેસ્ટર્ન રેલવેમાં દાદર અને પ્રભાદેવી રેલવે-સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાને લીધે લોકલ ટ્રેનો બપોર સુધી બંધ કરવામાં આવી હતી. ગઈ કાલે બપોરે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોલાબામાં ૨૫૨.૨ મિલીમીટર એટલે કે ૧૦ ઇંચ તો સાંતાક્રુઝમાં ૨૬૮.૬ મિલીમીટર એટલે કે ૧૦.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.