સુરત સુરતના ૩૫માં મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જાેધાણીની વરણી કરવામાં આવી છે. આ સાથે પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે વરણી કરવામાં આવી છે, જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા છે. હેમાલી બોઘાવાલા મેયર બનતાં ભાજપના નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષના નેતા તરીકે ધર્મેશ ભંડેરીની વરણી કરી છે.નવા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરતની વણથંભી વિકાસનું પર્યાય છે. સુરત શહેરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટેના તમામ પ્રયાસો જનપ્રતિનિધિઓ અને વહીવટી કર્મવીરો સાથે સુરતને વિશ્વના ફલક પર એક આગવું સ્થાન મળે તેવા પ્રયાસ કરીશું.આમ આદમી પાર્ટીએ પાલિકાની ચૂંટણીમાં એક સાથે ૨૭ બેઠક પર જીત હાસંલ કરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ સાથે આપ પાલિકાના વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગયા છે. ભાજપ દ્વારા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આજે સવારે પાલિકાના નવા ચૂંટાયેલા નગર સેવકોની પહેલી બોર્ડની મળનારી બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતાની વરણી કરી છે તો વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે ધર્મેશ ભંડેરીની વરણી કરી છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે.