દિલ્હી-

સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે તેઓ લંડનથી કેટલાક દિવસમાં દેશ પરત ફરશે અને કંપનીના પુણે સ્થિત પ્લાન્ટમાં કોવિડની રસી કોવિશીલ્ડનું ઉત્પાદન સંપૂર્ણ સ્પીડથી થઈ રહ્યું છે. પૂનાવાલાએ કહ્યું કે ભારત પરત ફર્યા બાદ તેઓ કોવિશીલ્ડના ઉત્પાદનની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા અચાનક પૂનાવાલા લંડન જતા રહ્યા હોવાના સમાચાર હતા. ત્યાં એક ઇન્ટરવ્યૂમાં અદાર પૂનાવાલાએ એ નિવેદન આપીને ચોંકાવી દીધા છે કે તેમને ધમકીઓ મળી રહી છે.

અદાર પૂનાવાલાએ લંડન પહોંચ્યા બાદ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, તેમને ભારતમાં કોરોના વેક્સિન માટે ફોન આવી રહ્યા છે, જેમાં તેમને પ્રભાવશાળી લોકોથી ધમકીઓ મળી રહી છે. આ લોકો ફોન પર કોવિશીલ્ડ વેક્સિન તાત્કાલિક પુરી પાડવાની માંગ કરે છે. તેમણે કહ્યું કે, કોવિશીલ્ડ વેક્સિન મેળવવાની આશા અને આક્રમકતાનું લેવલ ભારે છે. તમામને આ સૌથી પહેલા જાેઈએ છે. તેમણે એ પણ સંકેત આપ્યા કે, તેઓ વેક્સિનના નિર્માણને વધારવાની યોજનાની સાથે લંડન આવ્યા છે.

આ દરમિયાન અદાર પૂનાવાલાએ કંપનીના પાર્ટનર્સ અને સ્ટેકહૉલ્ડર્સ સાથે બ્રિટનમાં મીટિંગ કરી. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે, ‘અમારા પાર્ટનર્સ અને સ્ટેકહૉલ્ડર્સની સાથે યૂકેમાં મીટિંગ શાનદાર રહી. પુણેમાં કોવિશીલ્ડનું ઉત્પાદન પૂરજાેશમાં છે. હું કેટલાક દિવસમાં પાછો આવ્યા બાદ વેક્સિનના ઉત્પાદનની સમીક્ષા કરીશ.’ આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે, અદાર પૂનાવાલાને સીઆરપીએફ તરફથી વાઈ કેટેગરીની સુરક્ષા આપવાની વાત હતી. વાઈ કેટેગરીની સુરક્ષામાં ૧૧ જવાનો તૈનાત રહે છે, જેમાં એક અથવા ૨ કમાન્ડો અને પોલીસ કર્મચારી પણ સામેલ હોય છે. તેમને આ સુરક્ષા આપવામાં આવી છે.