અંક્લેશ્વર, તા.૧૫ 

અંકલેશ્વર નાં મીરા નગર પાસે આવેલ આઝાદ સ્ક્રેપ માર્કેટમાં ભંગારીયા દ્વારા ચાર બાળ મજૂરો ને કેમિકલ યુક્ત બેગો ધોવાનું કામ શોંપવામાં આવ્યુ હતુ , જોકે આ કામગીરી દરમ્યાન ચારેય ને ઝેરી ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર મીરા નગર નાં આઝાદ માર્કેટ માં સ્ક્રેપ વિનોદસિંગ નામ નાં ભંગારીયાનું ગોડાઉન આવેલુ છે , જેમાં તારીખ ૧૪મી એ ભંગારીયા દ્વારા કેમિકલ યુક્ત બેગો ધોવા માટે ચાર બાળ શ્રમિકો ને છૂટક મજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા,અને કેમિકલ યુક્ત પ્લાસ્ટિક ની બેગો સાફ કરાવવા માં આવી હતી.આ કામગીરી દરમ્યાન ઝેરી ગેસ જનરેટ થતા ચારેય બાળ મજૂરોને ગેસની અસર થઇ હતી , અને તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પટેલ નગર પાછળ ઝુપડપટ્‌ટી માં રહેતા રાજ પાંડે ઉ.વ.૧૩ , મિનેષ શૈલેષભાઈ રાઠવા ઉ.વ.૧૨ , કમલેશ ફુલસિંગ વસાવા ઉ.વ.૧૮ ને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા, જ્યારે ગોપાલ સંતપાલ ગુપ્તા ઉ.વ.૧૫ ને ભરૂચ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો હતો.

આ બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ને ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી, જ્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નાં અધિકારીઓ એ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને જરૂરી સેમ્પલ લીધા હતા.