પાટણ : પાટણ જિલ્લામાં સિદ્ધપુરથી શરૂ થયેલ કોરોના સંર્ક્મણ ઓગસ્ટના અંત સુધીમાં ૯ તાલુકામાં ફરી વળ્યું છે. ત્યારે મહામારીના પાંચ મહિનામાં જિલ્લામાં કુલ કેસ પૈકી ૬૫ કેસ ફક્ત પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં જ નોંધાયા છે. શનિવારે પાટણ શહેરમાં પોલીસ લાઈન સહીત ૪ અને તાલુકાના ધારપુર કેમ્પસમાં એક મળી ૫, સિદ્ધપુર શહેરમાં ૪ અને તાલુકાના સમોડા અને કુંવારા ગામમાં એક એક મળી ૬, શખેશ્વર ગામમાં ૪, અને રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજમાં એક એક મળી જિલ્લામાં વધુ૧૯ કેસો નોંધાતા કેસ આંક ૧૨૫૮ થયો હતો. ૨૪ કલાકમાં વધુ ૧૪૪૭ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સામે ૧૪૫૬ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વધુ ૨૧ દર્દીઓ સ્વસ્થ થતા જિલ્લા કુલ ૧૦૧૪ દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા છે. તો હાલમાં ફક્ત ૧૮૨ દર્દીઓ કોરોનની સારવાર હેઠળ છે. થોડા દિવસોને બાદ કરતાં ફરી કોરોના બે આંકમાં નોંધાઈ રહ્યો છે. હેમ.યુનિ દ્વારા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવા માટે કેમ્પનું આયોજન કરાયું છે. શનિ, સોમ અને મંગળ ૩ દિવસ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા રોજના ૧૫૦ થી ૨૦૦ કર્મચારીઓના એક સાથે વહીવટી ભવનમાં સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતુ. જેમાં શનિવારે કુલપતિ, રજિસ્ટ્રાર, અધિકારીઓ અને કર્મચારીઓ મળી ૧૫૦ જેટલા ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કુલ ૩ દિવસમાં કાયમી, સેલ ફાયનાન્સ અને રોજમદારો મળી ૫૦૦ સેમ્પલ લેવાશે.