ગાંધીનગર-

ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નો પહેલાં સભ્‍યો અર્યાદિત પુછી શકતા હતા. તેના ઉપર અધ્‍યક્ષશ્રએ કાપ મૂકીને 2018માં આદેશ બહાર પાડેલો હતો. એક ધારાસભ્‍ય અઠવાડિયામાં 3 જ પ્રશ્નો પુછી શકે છે.ફરીથી વિધાનસભાના અધ્‍યક્ષ અને ભાજપના પૂર્વ નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ બહાર પાડીને વિપક્ષની એટલેકે પ્રજાના પ્રતિનિધિઓના અધિકારોની પાંખો કાપી લીધી છે. 

બેલગામ બની રહેલી ભાજપની વિજય રૂપાણીની સરકારને કાબુમાં રાખવાના હથિયાર એવા અતારાંકિત પ્રશ્નોમાં કાપ મૂકીને લોકશાહીની પાંખો કાપી નાખવામાં આવી છે. ધારાસભ્યોના હાથ બાંધવાની કોશીષ કરીને લોકશાહીના પ્રસ્‍થાપિત મૂલ્‍યો અને પ્રણાલીઓને ગળે ફાંસો આપી ગુંગળાવવાનો પ્રયાસ કર્યો છે. 

અગાઉ અતારાંકિત અને તારાંકિત પ્રશ્નો 6 માસના સમયગાળા બાદ પુછી શકાતા હતા. તે સમયગાળામાં વધારો કરીને એક વર્ષ કરી દેવામાં આવ્‍યો છે. અતારાંકિત પ્રશ્નોમાં છેલ્‍લા 5 વર્ષની માહિતી પુછી શકાતી હતી. તે સમયગાળામાં ઘટાડો કરીને 3 વર્ષ કરી દેવામાં આવ્‍યો છે. ગુજરાતના નાગરિકોના પ્રતિનિધિ એવા ધારાસભ્યો હવે સરકારને ભિંસમાં લેવા 3 વર્ષથી વધુની માહિતી પુછી શકશે નહીં. તેથી છેલ્‍લા વર્ષોના આંકડાઓની સરખામણી થઈ શકશે નહીં. 

સરકારી અધિકારીઓ ધારે તો થોડી મિનિટોમાં માહિતી એકઠી કરીને મંગાવીને જવાબ રજૂ કરી શકતા હોવા છતાં માહિતી ભેગી કરવામાં સમયનો વ્‍યય થતો હોવાના કારણ આપવામાં આવી રહ્યું છે. ખરેખર તો ભાજપના 25 વર્ષના નિષ્ફળ શાસનની પોલ ખુલતી હોય તેવું વધારે લાગે છે. સરકાર જવાબદેહીથી દૂર ભાગી રહી હોય તેવું લાગે છે. છેલ્‍લા વર્ષોની માહિતી તો સરકારના વિભાગો પાસેથી ઉપલબ્‍ધ જ હોય છે તેના માટે અલગથી કોઈ સંશોધનો કરવાની જરૂરત હોતી નથી. 

ઉપરાંત હાલના અધ્‍યક્ષ કાર્યકાળમાં વિપક્ષ દ્વારા રજૂ થતાં અતારાંકિત પ્રશ્નોમાં એક અઠવાડિયામાં ત્રણથી વધુ નહીં, હવે પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષની માહિતી અને પુનઃ પ્રશ્ન પુછવામાં છ માસના બદલે એક વર્ષનો સમયગાળાના ત્રણ નિર્ણયો કરીને આધુનિક યુગમાં લોકશાહીના સ્‍વરૂપને વધુ વિશાળ અને પારદર્શિત બનાવવાના બદલે કુઠિત અને મર્યાદિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે.ઉપરાંત ગુજરાતની સ્‍થાપનાથી ચાલતી પ્રણાલિઓને ટુંકાગાળામાં એકથી વધારે વખત નિર્ણયો કરીને વિપક્ષના અધિકારોને વિસ્‍તૃત કરવાના બદલે ટુંકાવીને લોકશાહીની હત્‍યા કરવામાં આવી રહી છે.