વડોદરા : ડભોઈના વિવાદાસ્પદ પીઆઈ જે એમ વાઘેલાએ ડભોઈના વૃધ્ધ નિવૃત્ત શિક્ષકને નજીવી ટકોરના મુદ્દે ઉશ્કેરાઈને લાફા ઝીંકી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડવાના ચકચારભર્યા બનાવમાં કોર્ટમાં દાદ માંગવામાં આવ્યા બાદ હવે કોર્ટ દ્વારા આ બનાવની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ડભોઈમાં રહેતા ૬૮ વર્ષની નિવૃત્ત શિક્ષક જગદીશચંદ્ર પટેલે ગત ૨૮મી જાન્યુઆરીની સાંજે પુરઝડપે અને ભયજનક રીતે કાર હંકારી રહેલા ડભોઈ પોલીસ મથકના પીઆઈ જે એમ વાઘેલાને કાર ધીમે અને જાેઈને ચલાવવાની નજીવી ટકોર કરતા જ પીઆઈ વાઘેલાએ સીઆરપીસી કલમ ૪૨(૨) મુજબ કાર્યવાહી કરી જગદીશચંદ્રના વાળ ખેંચીને તેમના બંને ગાલ પર લાફા ઝીંક્યા હતા. આ હુમલામાં જગદીશચંદ્રના બંને કાનના પડદા ફાટી ગયાનું તબીબી પરીક્ષણમાં નિદાન થયું હતું. આ બનાવમાં જિલ્લા પોલીસ વડાએ તપાસનો આદેશ કરતા ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ તપાસ કરી જગદીશચંદ્ર તેમજ તેમને પોલીસ મથકે લેવા જનાર સોસાયટીના રહીશ અને પોલીસ જવાનોની પુછપરછ કરી નિવેદનો લઈ ૧૬ પાનાનો રિપોર્ટ સુપ્રત કર્યો હતો. આ રિપોર્ટમાં જગદીશચંદ્રએ પોલીસે માર માર્યો હોવાનું જણાવ્યું છે તેવો ઉલ્લેખ કર્યો છે પરંતું કોઈ ચોક્કસ નામ આપ્યું નથી તેવો વાહિયત બચાવ કરીને જે એમ વાઘેલાની સ્પષ્ટ રીતે તરફેણ કરી છે. રિપોર્ટમાં તેમણે એવો નિષ્કર્ષ રજુ કર્યો છે કે અરજી અન્વયેના આક્ષેપોને સમર્થન મળે તેવી હકીકત પણ જણાઈ આવતી નથી જેથી આ અરજી સંબંધે વિશેષ તપાસ કરવાની જરૂરી જણાતી ન હોઈ તે અરજી ફાઈલે કરવા વિનંતી છે. તેમણે જે રિપોર્ટ રજુ કર્યો છે તે પ્રથમદ્રષ્ટીએ જાેતા કલ્પેશ સોલંકી પણ શંકાના ઘેરામાં આવ્યા છે.

જાેકે ઈમાનદાર અને કડક અધિકારીની છાપ ધરાવતા ડિવાયએસપી પાસેથી ન્યાયની આશા રાખી રહેલા વૃદ્ધ શિક્ષકને આ રિપોર્ટના પગલે ભારે આંચકો લાગતા તેમણે આખરે ન્યાયતંત્રમાં રાવ માંગી હતી. આ અંગે જગદીશચંદ્રએ ધારાશાસ્ત્રી રાકેશભાઈ

પરમાર મારફત ડભોઈની ચીફકોર્ટમાં ફરિયાદ કરતા નામદાર કોર્ટે ૨૦૨ મુજબ કોર્ટ તપાસનો આદેશ કર્યો હતો અને તે મુજબ કોર્ટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી જગદીશચંદ્રનું નિવેદન મેળવ્યું છે. આ બનાવમાં અન્ય સાહેદો અને

પોલીસ જવાનોની પણ પુછપરછ હાથ ધરાશે.

જે.એમ.વાઘેલા ૪ વર્ષથી ડભોઈમાં ફરજ બજાવે છે

વૃધ્ધને લાફા ઝીંકવાના વિવાદમાં સંડોવાયેલા પીઆઈ જે એમ વાઘેલા ચાર વર્ષથી વધુ સમયથી ડભોઈ પોલીસ મથકમાં પીઆઈ તરફથી ફરજ બજાવે છે. તાજેતરમાં તાલુકા પોલીસ મથકના પીઆઈ-પીએસઆઈની આંતરિક બદલીઓ થઈ હતી પરંતું પીઆઈ જે એમ વાઘેલા તેમના સ્થાને યથાવત રહ્યા છે. પીઆઈ જે એમ વાઘેલાને ઉચ્ચાધિકારીઓ સાથે તેમજ રાજકિય અગ્રણીઓ સાથે ઘેરાબો હોઈ તેમની બદલી નથી કરાઈ તેમ પણ ડભોઈના નગરજનોમાં ચર્ચા છે.