અમદાવાદ-

અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર જાણે ગુનાખોરી અંજામ આપવા હોટ સ્પોટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.દિનપ્રતિદિન મારામારી તેમજ હુમલાના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.ત્યારે ફરી એક જીવલેણ હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.નિકોલમાં મોર્નિંગ વોક પર નીકળેલ યુવક-યુવતી પર અજાણ્યા શખ્સે ચપ્પા વડે જીવલેણ હુમલો કર્યો હતો.હાલ તો આ મામલે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાથે જ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

 આરટીઓ રોડ વ્રજભૂમિ કોમ્પલેક્સમાં રહેતી ખુશી દિનેશભાઈ પાલ (ઉ.વ22) તેની ત્રણ બહેનો સાથે મોર્નિગવોક કરવા માટે જાય છે. ગત 1 સપ્ટેમ્બરે સવારના ચાલવા જવા માટે તેણે તેની મિત્રના ભાઈ વીરેન્દ્રસિંહ ઉર્ફે વિરલ વાઘેલાને ફોન કર્યો હતો. ત્યારબાદ વિરલ અને ખુશી તેના બાઈક પર વસ્ત્રાલ થઈ ઓઢવ રીંગરોડ તરફ ચાલવા માટે ગયા હતા. દરમિયાન તેઓ દાસ્તાન સર્કલ પાસેના સર્વિસ રોડ પર ઉભા રહીને વાતો કરી રહ્યા હતા.આ સમયે અજાણ્યો યુવક મોઢા પર સ્કાર્ફ બાંધીને આવ્યો હતો અને તેમને પૂછ્યું હતું કહાં સે આયે જેથી તેને કહ્યુ કે વસ્ત્રાલથી આવ્યા છીએ. આ સાંભળી અજાણ્યા યુવકે કહ્યું હતું કે, યહાં કયું ખડે હો કુછ પ્રોબ્લેમ હોગી. જેથી વિરલ અને ખુશીએ ત્યાંથી જવા બાઈક ચાલુ કરી જવા જતા અજાણ્યા યુવાને પોતાની પાસેથી છરી કાઢીને વિરલના પેટના ભાગે એક ઘા મારી દીધો હતો. આ જોઈને ખુશીએ બીજો ઘા મારે તે પહેલા તેનુ ચપ્પુ પકડી લેતા તેને હાથની આંગળીઓના વેઢા કપાઈ ગયા હતા જેથી ગભરાઈને તે રીંગરોડ તરફ નાસવા લાગી હતી જયારે વિરલે પણ ત્યાંથી દોટ મૂકી હતી દરમિયાન અજાણ્યા યુવાને બીજી વખત છરીથી વિરલ પર હુમલો કરી ઈજા પહોચાડી હતી. દરમિયાન રીંગરોડ પર આવીને એક બાઈકચાલકના ફોનથી 108 ને જાણ કરી હતી.ત્યારબાદ બંનેને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા.