સુરત-

કતારગામ વિસ્તારમાં એક મહિના પહેલાં જ રહેવા આવેલી નેપાળી પરિવારની ૧૫ વર્ષીય તરુણી ગુમ થઇ જવાની તપાસમાં તે અમરોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય બંગાળી યુવતી સાથે મળી આવી હતી. તપાસમાં ૧૯ વર્ષીય યુવતી લેસ્બિયન સંબંધ ધરાવતી હોવાનું અને તે જ આ તરુણીને ભગાવી ગયાનું બહાર આવતાં પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી હતી. બે યુવતીઓ વચ્ચેના પ્રેમનો પ્રકાશમાં આવેલો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં એક મહિના પહેલાં નેપાળી પરિવાર રહેવા આવ્યો હતો. લોકડાઉનને કારણે વાપીમાં નોકરી જતી રહેતાં રોજગારી માટે આવેલા આ દંપતીની ૧૫ વર્ષીય પુત્રી ગત ૧૫મી એપ્રિલની સવારે ગુમ થઇ ગઇ જતાં મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે જે તે સમયે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. વાપીમાં તેઓ રહેતા હતા ત્યારે બે મહિના પહેલાં તેમના ઘર સામે જ રહેતી ૧૯ વર્ષીય બંગાળી યુવતી સાથે આ સગીરા ૧૫ દિવસ માટે ગુમ થઇ ગઇ હતી અને બાદમાં પરત આવી ગયાનું જણાવતાં પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી. અમરોલી વિસ્તારમાં લોકેશન મળતાં ત્યાં કતારગામ પોલીસ પહોંચી હતી. પોલીસને એમ હતું કે આ બંનેને કોઇ પુરુષો ભગાવી ગયા હશે, પરંતુ તપાસ કરતાં આ બંને ત્યાં કેટલાક દિવસથી એકલી જ રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ જ્યારે પકડવા આવી ત્યારે પણ આ બંને એકબીજાને છોડવા તૈયાર ન હતી અને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાહેર કરતાં પોલીસને મામલો સજાતીય પ્રેમસંબંધનો હોવાનો ખ્યાલ આવ્યો હતો. જાેકે બે પૈકી એક યુવતી સગીર હોઇ પોલીસે પુખ્ય વયની યુવતીની અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી. બંનેની તપાસમાં બંને વચ્ચે સજાતીય સંબંધ બંધાયા હોવાનું જાણવા મળતાં પોલીસે પુખ્ત યુવતી સાથે આઇ.પી.સી.ની કલમ ૩૭૭ મુજબ સૃષ્ટિ વિરુદ્ધની કલમ અને પોક્સોનો ઉમેરો કર્યો હતો. ધરપકડ કરાયેલી યુવતીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલમાં મોકલાઇ હતી. જ્યારે સગીરને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર બી.ડી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.