લુણાવાડા-

જિલ્લા પંચાયત કચેરીની હિસાબી શાખાના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ જિલ્લા પંચાયત કચેરીની 7 શાખાઓ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે. સંપર્કમાં આવેલા બાંધકામ શાખા, હિસાબી શાખા, વિકાસ શાખા, મહેકમ શાખા, પંચાયત શાખા, ઈ-ગ્રામ શાખા, તથા વીડિયો કોન્ફરન્સ રૂમ આગામી ત્રણ દિવસ માટે બંધ રખાશે. સંપર્કમાં આવેલા અધિકારીઓ-કર્મચારીઓને પણ ત્રણ દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના કેસની સંખ્યામાં વધારો થતા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને તંત્ર દ્વારા સેનિટાઈઝ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા કોરોના સુપર સ્પ્રેડર માટેની સ્પેશિયલ ડ્રાઈવ આજે ગુરુવારે યોજવામાં આવી હતી, જેમાં મોટા મોલ, મોટી કાપડની દુકાનોમાં અને જ્યાં ભીડ થતી હોય તેવી જગ્યાએ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આથી કોરોના સંક્રમિત દર્દીઓને શોધી તેમને સારવાર આપી સ્વસ્થ કરી શકાય. જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન બજારમાં ભીડ થતા કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, જેની અસર મહીસાગર જિલ્લા પંચાયત ભવનમાં જોવા મળી છે. જિલ્લા પંચાયત કચેરીની હિસાબી શાખાના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા પંચાયત કચેરીની 7 શાખાઓ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે તેમજ તંત્ર દ્વારા સેનિટાઈઝ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.