સુરત-

સુરત સહિત સમગ્ર જિલ્લામાં વીતેલા ત્રણ દિવસથી મેઘ મહેર વરસાવી છે. આજે સવારથી જ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેર અને જિલ્લામાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં પ્રબળ વરસાદી લો પ્રેસર સિસ્ટમને પગલે આગામી બે-ત્રણ દિવસ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી શહેરને વરસાદ તર-બ-તર કરી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોથી લઈ વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં પણ સર્વત્ર 2 થી 11 ઈંચ વરસાદ ખાબકયો છે. સુરત શહેરમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં જ પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. વિતેલા ચોવીસ કલાકમાં શહેરમાં પાંચ ઇંચ તો ઉમરપાડામાં 11 અને કામરેજમાં પાંચ તો માંગરોળમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

વરસાદે સતત ચોથા દિવસે પણ પોતાની બેટીંગ યથાવત રાખી છે. કન્ટીન્યુ પડતા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં આવેલી મોટા ભાગના નદી, નાળા, તળાવો પાણીથી ભરાયા છે તો રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. લોકોની જનજીવન પ્રભાવિત બન્યું છે. તે વચ્ચે ગઈકાલે ચોથી દિવસે પણ વરસાદે તેની તેજ પવનો સાથે તોફાની બેટીંગ ચાલુ રાખી છે. જિલ્લામાં સર્વાધિક વરસાદ ઉમરપાડા, માંગરોળ, ઓલપાડ અને સુરત શહેરમાં ખાબક્યો છે.