ધનસુરા : રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર છેલ્લા બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા સાચી પડી ધનસુરા તાલુકાના ધનસુરા ગામ તથા સમગ્ર તાલુકામાં ગત રાત્રિથી વરસાદે જોર પકડતા આસમાની આફત આવી પડી હોય તેમ લાગી રહ્યું છે. તા. ૨૨મીની રાત્રી સમયે ચાર કલાકની અંદર છ ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ વરસાદ ધીમી ગતિએ સતત બીજા દિવસે પણ ચાલુ જ રહ્યું છે. અતિશય વરસાદ પડવાને કારણે ધનસુરા ગામના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ધનસુરા આજુબાજુના ખેતરોમાં પાણી બહાર નીકળી ગયું હતું. ધનસુરા ગામના તળાવમાં ભારે વરસાદ ખાબકતા પાણીની આવક પૂરજોશમાં વધી ગઈ હતી. વહેલી સવારે ગામનું તળાવ જોવા માટે લોકો એકઠા થયા હતા. સારા વરસાદને કારણે આગામી રવિ પાક થવાની શક્યતાઓ વધતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.