વડોદરા, તા.૧૯

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષ ને મોકલી આપતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. જાેકે, સત્તા પર હોવા છતા કનોડા મહિસાગર નદી પર વિયર બનાવવાની કામગીરી મુદ્દે ચાર વર્ષથી તેઓ રજૂઆત કરતા હતા. પરંતુ કામગીરી શરૂ નહી થતા રાજીનામાનુ શસ્ત્ર ઉગામ્યુ હોવાનું જાણવા મળે છે.જાેકે, ધારાસભ્યના રાજીનામાં બાદ પ્રદેશ પ્રમુખે તેમને ગાંઘીનગર બોલાવીને સમગ્ર મામલો સમજીને સમજાવટ કરતા બપોરે રાજીનામુ પરત ખેચ્યુ હતુ.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.ત્યારે આજે સવારે એકા એક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામુ વિધાનસભાના અધ્યક્ષને ઈ મેલ દ્વારા મોકલી આપ્યુ હોવાની વાતને લઈ ભાજપા મોરચે હડકંપ મચ્યો હતો. કેતન ઈનામદારે આપેલા રાજીનામામાં માત્ર ત્રણ લીટી લખી હતી. જેમાં હુ મારા અંતરાત્માને માન આપીને રાજીનામુ આપુ છુ.જે સ્વીકારવા વિનંતી છે.તેમ લખ્યુ હતુ.

ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાંને લઈ વડોદરા જિલ્લા ભાજપા પ્રભારી સહિત અગ્રણીઓ તેમને મનાવવા દોડી આવ્યા હતા.જાેકે, કેતન ઈનામદારે આપેલુ રાજીનામુ ભાજપામાં ધરબાયેલા ઉકળતા ચરૂનો જાણે ભડકો હોય તેમ સત્તા પર હોવા છતાં વિકાસના કામો માટે સત્તાધારી પક્ષના ધારાસભ્યો રૂંધાતા હોય તેવુ ચર્ચાઈ રહ્યુ છે.જાેકે, ધારાસભ્ય કેતન ઈનામદાર છેલ્લા ચાર વર્ષ થી કનોડા મહિસાગર નદી પર વિયર બનાવવા મુદ્દે રજૂઆત કરી રહ્યા હતા.૪૫૦ કરોડના ખર્ચે વિયરના ટેન્ડર પણ આવી ગયા હતા. પરંતુ કામ શરૂ થતુ ન હતુ.જેથી છંછેડાયેલા ધારાસભ્યએ રાજીનામાનુ શસ્ત્ર ઉગામ્યુ હોવાનું જાણવા મળે છે.જાેકે, રાજીનામાં બાદ પ્રદેશ પ્રમુખે ગાંધીનગર બોલાવીને સમગ્ર મામલો સમજતા કેતન ઈનામદારે તેમનુ રાજીનામુ પરત ખેચ્યું હતુ.કેતન ઇનામદારે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મારો અવાજ નથી પરંતુ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ છે જુના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કચાશ લાગતી હતી પાર્ટીને મોટી કરવી જાેઈએ પરંતુ જૂના કાર્યકર્તાઓને માન સન્માન મળવું જાેઈએ લોકસભાની ચૂંટણી પૂર્વે આપેલા રાજીનામાં અંગે તેમણે જણાવ્યું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે લોકસભાની બેઠક માટે સાવલી વિસ્તારમાંથી સૌથી વધુ લીડ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને મળશે અને તે માટે તમામ કાર્યકર્તાઓ કામગીરી કરશે તેમ પણ તેમણે કહ્યુ હતુ.

મારે મગજ નથી હૃદય છે

સાવલીની જનતાને મે કેટલાક વચનો આપેલા છે.જે પૂરા કરવા મારા હૃદય થી ઈચ્છા છે.૨૦૨૦ માં પણ મે રાજીનામુ આપ્યુ હતુ.અને આજે પણ ૨૦૨૪માં રાજીનામુ આપ્યુ છે. વારંવાર રાજીનામુ આપવાની આડ અસર વિશે મને ખબર છે.૨૦૨૭ની ચૂંટણી હું લડવાનો નથી માટે ૨૦૨૦માં જે કામો માટે મે રાજીનામું આપ્યુ હતુ. તે સાવલીના વિકાસના કામોની વહિવટી પ્રક્રીયા ચાલી રહી છે કે પૂરી થઈ છે.પરંતુ સરકારમાં જે ગતીએ કામગીરી ચાલી રહી છે.તે જાેતા ૨૦૨૭ સુધી આ કામો પૂર્ણ થાય તેમ લાગતુ નથી.આ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ મંથર ગતીએ કામગીરીમાં કોઈ ઝડપ નહી દેખાતા દુઃખ થતુ હતુ.આ ઉપરાંત જે વિરોધીઓ સામે પડકાર જનક સ્થિતીનો સામનો કરી મારા કાર્યકરો અને પક્ષના આગેવાનો ભાજપા માટે કામગીરી કરે છે તેઓને વિશ્વાસમાં લીધા સિવાય સંગઠન કેટલાક નિર્ણયો કરે છે.આ બધી બાબતો એકત્રીત થતા મનોવ્યથા અને હૃદયની પીજા સાંભળીને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.જાે મગજ થી વિચાર્યુ હોત તો ફરી રાજીનામું આપવુ એ રાજકિય આપધાન સમાન છે એ વિચાર્યુ હોત, પરંતુ મારૂ હૃદય સાવલીની પ્રજા અને સાવલીના વિકાસ, પ્રગતી માટે છે. જેથી મગજની વાત નહી માની હૃદયની વાતનો સ્વીકાર કરીને રાજીનામું આપ્યુ હતુ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મંત્રી રત્નાકરજી અને પ્રભારી મંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતીમાં હૃદયની પીડાનુ નિરાકરણ કરવામાં આવ્યુ છે.રાજીનામું પરત નહી લેવાનું મન બનાવ્યુ હતુ. પરંતુ સી.આર.પાટીલના આગ્રહ અને તેમણે આપેલા વિશ્વાસના કારણે રાજીનામુ પરત ખેચ્યુ છે.

- કેતન ઈનામદાર

સંગઠન સર્વોપરીની ગેર- સમજમાં ચાલતી મનમાની પણ નારાજગીનું કારણ ?

ભાજપામાં કહેવાતુ હોય છે કે સંગઠન સર્વો પરી છે. પરંતુ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આ નિવેદનને સંગઠનના કેટલાક લોકો પોતાની સત્તા સમજીને મનમાની કરતા હોય છે.આવીજ મનમાનીમાં ગઈકાલે પ્રદેશ કક્ષાએથી ભાજપનાજ બે બળવાખોર કુલદીપ રાઉલજી અને બાલકૃષ્ણ પટેલ ( ઢોલાર ) ને તબક્કાવાર ડભોઈ અને વાધોડિયાની જવાબદારી પ્રભારી તરીકે આપવામાં આવી છે.ત્યારે બળવાખોરોને જવાબદારી આપીને ધારાસભ્યોના માથે માર્યા હોવાનો એક સંદેશો જતા તેમજ જવાબદારી સોંપતા પૂર્વે ધારાસભ્યોને વિશ્વાસમાં લઈને પૂંછવામાં નહી આવતા ધારાસભ્યોમાં નારાજગી ફેલાઈ હોવાનું પણ કહેવાય છે.જાેક, આ મામલે અન્ય ધારાસભ્યો નારાજગી વ્યક્ત કરે તે પૂર્વેજ કેતન ઈનામદારે બળવાનુ બ્યુગલ ફૂંકતા આખો મામલો બહાર આવ્યો હતો.જાેકે, આ મામલે પણ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંયમતા થી વલણ અપનાવી સમજાવતનો માર્ગ અપનાવ્યો હોવાનું કહેવાય છે.

ઉમરેઠ અને સાવલીને ફાયદો કરાવતું કામ કયા મંત્રીએ અટકાવ્યુ ?

કનોડા મહિસાગર નદી પર વિયર ( આડબંધ ) નુ કામ બે જિલ્લા એટલે ઉમરેઠ અને સાવલી ને ફાયદો કરાવતુ રૂા.૪૫૦ કરોડનુ કામ લાંબી લડત બાદ આવ્યુ હતુ.અને એમાં બે કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા છે. જેમાં સૌથી ઓછો ભાવ ભરનાર કોન્ટ્રાક્ટર એ મહારાષ્ટ્રનો છે.જ્યારે સેકન્ડ લોએસ્ટ આવેલો કોન્ટ્રાક્ટર એ ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રનો હોવાનું જાણવા મળે છે.ત્યારે સેકન્ડ લોએસ્ટ આવેલા કોન્ટ્રાક્ટરને કામ મળે તે માટે સરકારના એક મંત્રી લાંબા સમય થી પ્રયત્ન કરી રહ્યા હોવાનું કહેવાય છે.અને જેઓએ ફર્સ્ટ લોએસ્ટ આવેલા મહારાષ્ટ્રના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર નહી આપવા દઈને આ કામગીરીમાં ૮માં મહિનાથી વિલંબ ઉભો કર્યો છે.ત્યારે વારંવાર સરકારમાં અને સંગઠનમાં રજૂઆત કરવા છતાં આ કામગીર માટે વર્ક ઓર્ડર નહી અપાતા નારાજ કેતન ઈનામદારે આજે જણાવ્યુ હતુ કે, આ કામ જાે તાકીદે શરૂ નહી થાય તો એક વર્ષ પછી આ કામ શરૂ થશે.અને એ સમયસર પૂરૂ નહી થાય,અને મે સાવલીની પ્રજાને આપેલુ વચન પૂરૂ નહી થાય એટલે એમણે આ નારાજગી વ્યક્ત કરી હોવાનું મીડીયા સમક્ષ જણાવ્યુ હતુ.ત્યારે આ કામગીરીમાં અવરોધ ઉભો કરનાર મંત્રી કોણ ? તે અંગેની ચર્ચા હવે ભાજપા મોરચે શરૂ થઈ છે.

હું ૨૦૨૭ની ચૂંટણી લડવાનો નથી

સાવલીના ધારાસભ્ય પ્રદેશ પ્રમુખ સાથેની મુલાકાત બાદ વડોદરાના પ્રભારી મંત્રી અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવી સાથે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, મહી વિયરના કામનો જે મારો વર્ષ ૨૦૨૦ માં પ્રશ્ન હતો.હુ ફરી જાહેર મંચ પર કહુ છુ કે, આ મારી ત્રીજી ટર્મ છે.હુ ૨૦૨૭ની ચુંટણી લડવાનો નથી. પરંતુ પ્રજાને જે વચનો આપ્યા છે.મારા વિસ્તારના કામ મારા કાર્યકાળમાં પૂર્ણ થાય તેવી લાગણી સાથે હુ નિકળ્યો છુ.અને જે મારા પ્રશ્નો હતા તે પરીપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણ પણે ખાતરી આપવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યુ હતુ.

 સી.આર.પાટીલે મંત્રીઓ અને સંગઠન પ્રભારીઓના ક્લાસ લીધા

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને પ્રદેશ પ્રમુખે ગાંધીનગર બોલાવ્યા હતા. અને તેમની રજૂઆત સાંભળ્યા બાદ મંત્રીઓને બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. અને ધારાસભ્ય કેતન ઈનામદારની જે રજૂઆત છે તે કામ કેટલા સમય થી પેન્ડિંગ છે.ત્યારે વિભાગીય અધિકારીઓ અને મંત્રીઓએ સ્વીકાર્યુ હતુ કે, કામ લાંબા સમય થી પેન્ડિંગ છે અને થઈ શક્યુ નથી.ત્યારે પ્રદેશ પ્રમુખે આ કામો તાત્કાલીક કરવાની સુચના આપી હોવાનું જાણવા મળે છે.અને સંગઠનના પ્રભારીઓને બોલાવીને તાકીદ કરી હતી કે,તમે કોઈપણ નિમણૂંક કરો તો ધારાસભ્યોને વિશ્વામાં લઈને કરજાે

૨૦૨૦માં પણ આજ મુદ્દે રાજીનામું આપ્યું હતું

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આજે એકા એક રાજીનામુ આપી દેતા ભાજપામાં ખળભળાટ મચી ગયો હતો. જાેકે, તેમણે સાવલીના ખેડુતોના પાણી મળે તે માટે કનોડા મહાસાગર નદીમાં વિયર બનાવાની કામગીરી લાંબા સમય થી નહી થતા રાજીનામુ આપ્યુ હોવાનું કહેવાય છે.ત્યારે અગાઉ વર્ષ ૨૦૨૦ માં પણ તેમણે આજ મુદ્દે રાજીનામુ આપ્યુ હોવાનું જાણવા મળે છે.