અરવલ્લી,તા.૧૮   

કોરોના મહામારીના પગલે કેટલાયે કામધંધાને માઠી અસર થઈ છે. સાબરકાંઠા અને અરવલ્લી આ બંને જિલ્લાની પ્રજાનું જીવન ખેતપેદાશ પર આધારિત છે.અહીંના ખેડૂતો મોટાભાગે શાકભાજીનું ઉત્પાદન કરી જમાલપુર માર્કેટયાર્ડમાં વેચાણ કરવા માટે જતા હતા.પરંતુ વર્તમાન કોરોનાની મહામારીના કારણે જમાલપુર માર્કેટયાર્ડ(શાકભાજી માટે) બંધ કરવામાં આવતા શાકભાજી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.આની વૈકલ્પિક વ્યવસ્થા જેતલપુર માર્કેટયાર્ડમાં કરવામાં આવી આવી છે. આ બંને જિલ્લાની સંપૂર્ણ લેતીદેતી અમદાવાદ મહાનગર સાથે સંકળાયેલી છે.આ બંને જિલ્લાના તાલુકા મથકોએ શાકભાજીનાં માર્કેટયાર્ડની વ્યવસ્થા કરી છે પણ ત્યાં સંપૂર્ણ વ્યવસ્થાનો અભાવ છે.અહીં લાવેલો પુરો માલ ખરીદાતો પણ નથી. જેથી ખેડૂતોનો માલ (શાકભાજી) બગડે છે.આ અંગે બાયડ માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મારી એક ખેડૂત પુત્ર તરીકે આપને રજૂઆત છે કે, અમારા આ બંને જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક જેતલપુર માર્કેટયાર્ડમાં યોગ્ય વ્યવસ્થા કરી અને સુવિધાઓ પુરી પાડવામાં આવે જેથી કરીને ખેડૂતોને નુકશાનીમાંથી ઉગારી શકાય અથવા જમાલપુર માર્કેટયાર્ડ ચાલુ કરવા બાબતે ખેડુતોએ વારંવાર રજૂઆતો કરી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી. શાકભાજી એક એવી ઉપજ છે કે જે બે દિવસમાં વેચાણ ન થાય તો બગડી જાય, જેથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે.વધુમાં ધારાસભ્ય જશુભાઈ પટેલે જણાવ્યું છે કે, આવા સંજોગોમાં ખેડૂતો આંદોલન કરશે તો આવા કપરાકાળમાં મોટી મુશ્કેલી ઉભી થશે. આ લોકડાઊન પછીના સમયમાં લોકો, વેપારીઓ અને વપરાશકારો મુંઝવણ અનુભવી રહ્યા છે. જેથી જમાલપુર માર્કેટયાર્ડ (શાકભાજી) ચાલુ કરો અથવા તેની સમકક્ષ અમદાવાદ શહેરની બહારની સાઈડે કામચલાઉ શાકભાજી માટેના માર્કેટયાર્ડની વ્યવસ્થા કરવા વિનંતી છે.