વડોદરા, તા.૧૭

રામસર સાઈટનો દરજ્જાે મળવાથી જેનું નામ આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડઅને પક્ષી તીર્થની યાદીમાં સામેલ થયું છે એવા વડોદરા જિલ્લાના ઐતિહાસિક વઢવાણા જળાશય ખાતે શિયાળા ના અંત સાથે અંદાજે ત્રણ મહિનાનો પક્ષીઓનો મેળો પુરો થવા આવ્યો છે અને પક્ષીઓ પોતાના વતનના માર્ગે વિદાય થઈ રહ્યાં છે.વઢવાણાના કાંઠે પક્ષીઓની ગણતરી દર વર્ષે કરવામાં આવે છે.ભારતના ખૂબ જાણીતા પક્ષીશાસ્ત્રી મર્હુમ સલીમઅલી સ્થાપિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ તેનું આયોજન કરવામાં આવે છે. વન્ય જીવ વિભાગ,વડોદરાના મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી એ જણાવ્યું કે નાયબ વન સંરક્ષક એમ. એલ. મીનાની સૂચનાઓ અને ઉપરોક્ત સંસ્થાના ડો.ભાવિક પટેલ અને ડો. દિશાંત પારાશર્ય અને તેમની ટીમના સહયોગ અને નિરીક્ષણ હેઠળ વન્ય જીવ વિભાગની વિવિધ રેન્જના વન અધિકારીઓ અને વનકર્મીઓ તેમજ આ ક્ષેત્રમાં કાર્યરત સેવા સંસ્થાઓ અને કર્મશીલોના સહયોગથી પક્ષી ગણતરીની જહેમતભરી કવાયત કરવામાં આવી.વઢવાણા ના પરીક્ષેત્ર વન અધિકારી આર.એન. પુવારે પંખી ગણનાનું કુશળતા સાથે સંકલન કર્યું હતું.જેમાં આ વર્ષની પંખી ઋતુમાં વઢવાણા ના કાંઠે અંદાજે ૯૫ હજાર થી વધુ(૯૫૪૬૧) પક્ષીઓ અહીંનો શિયાળો માણવા આવ્યા હોવાનું તારણ નીકળ્યું છે.ત્રણેય ગણતરીના આધારે એવું જણાયું છે કે અંદાજે ૧૬૩ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ વર્તમાન શિયાળુ મોસમમાં અહીં આવ્યા હતા.દૂર દૂરના અને જ્યાં શિયાળો અતિશય ઠંડો અને આકરો હોય છે તેવા મધ્ય એશિયા તેમજ મોંગોલિયા, સાઇબેરીયા જેવા પ્રદેશોમાં થી હજારો કિલોમીટરની ઉડાન ભરીને પક્ષીઓ,તેમને માટે હૂંફાળો ગણાય તેવા આપણા શિયાળામાં અહીં આવે છે.

વઢવાણા ખાતે કયા કયા પક્ષીઓ મહેમાન બન્યા હતા

૧૬૩ જેટલી પ્રજાતિઓના પક્ષીઓની હાજરી નોંધી છે તેમાં મુખ્ય પક્ષી કે વઢવાણા ના રાજદૂત ગણાતા ગાજહંસ ઉપરાંત રાજહંસ,ભગવી સુરખાબ,સિંગપર,નાની મૂર્ઘાબી,લાલ ચાંચ કારચિયા,રાખોડી કારચિયા,ધોળી આંખ કારચીયા, પિથાસણ,ચેતવા, ગયનો,લુહાર, કાબરી કારચિયા,નાનો હંજ,કાળી ચાંચ ઢોનક,મત્સ્યભોજ, પાન પટ્ટાઈ અને ભગતડું સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે.

છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પંખીઓ આવ્યા

વઢવાણાં તલાવ ખાતે વર્ષ ૨૦૨૦ માં આ વેટલેન્ડ ખાતે ૮૩૦૦૦,૨૦૨૧ માં ઘટીને ૬૪૦૦૦ અને આ વર્ષે ૨૦૨૨ માં ૩૧૦૦૦ જેટલી સંખ્યા વધીને ૯૫૦૦૦ થી વધુ પક્ષીઓ આ તળાવના,અમારા અને ગુજરાતના મહેમાન બન્યા ત્રણેય વર્ષ કોરોના સાવચેતીઓ પાળીને પંખી ગણના તો કરવામાં આવી જ હતી.આ વર્ષે સૌ થી વધુ ૧૮૬૭૪ જેટલાં નોર્ધન પિંટેલ આવ્યા તો ૬૫૧ જેટલી સંખ્યામાં કોમન પોર્ચર્ડ નો સમાવેશ થાય છે.