વડોદરા, તા. ૨૬

કારેલીબાગ અમિતનગર સર્કલ અને દુમાડચોકડી પરથી અમદાવાદથી ફેરી મારતા ઈકોકારના ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવી તેમજ મારામારી કરવાના ગુનામાં સંડોવાયેલા નામચીન મુડી બાપુ સહિતના અસામાજિક તત્વોએ ફરી દુમાડચોકડી પાસે ભયનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે. ગત રાત્રે મુડી બાપુએ દારૂના નશામાં દુમાડચોકડી પાસેના ગલ્લાવાળા સાથે ઝઘડો કરી તેની પર ચાકુથી હુમલો કર્યો હતો. આ બનાવની બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસ સમા પોલીસ સફાળી દોડતી થઈ હતી.

દુમાડચોકડી પર જય માતાજી ટી સ્ટોલ ધરાવતા જશવંતસિંહ રાજપુત ગત રાત્રે ગલ્લા પર હાજર હતો તે સમયે ઈક્કો કારનું ડ્રાઈવીંગ કરતો રવિરાજસિંહ ઉર્ફ મુડી બાપુ ભરતસિંહ પરમાર (દેવ હાઈટ્‌સ, મોટનાથરોડ) દારૂનો નશો કરેલી હાલતમાં ગલ્લા પર ગયો હતો અને તેની પાસે સિગારેટના બાકી પૈસાની માગણી કરતા જશવંતસિંહને તું મને ઓળખે છે ? હું મુડી બાપુ છું..તેમ કહી ઝઘડો કરી તેમની પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઝઘડામાં જશવંતસિંહના ભાઈ અનુપસિંહે દરમિયાનગીરી કરતા મુડી બાપુએ તેની સાથે પણ ઝપાઝપી કરી હતી અને ચાકુથી હુમલો કરી બંને ભાઈઓના હાથમાં ઈજાઓ પહોંચાડી હતી અને તેઓને મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની સમા પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ બંને પક્ષોને પોલીસ મથકમાં લાવી હતી. જશવંતસિંહે સમા પોલીસ મથકમાં મુડી બાપુ સામે ફરિયાદ નોંધાવતા મુડીબાપુએ પણ સામાપક્ષે બંને ભાઈઓ સામે સિગારેટના બાકી વીસ રૂપિયાના મુદ્દે ઝઘડો કરી ચાકુથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી હતી જયારે મુડી બાપુ દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપાતા સમા પોલીસે તેની વિરુધ્ધ નશાબંધીનો અલાયદો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે હુમલાના ગુનામાં લાંબા સમય સુધી ફરાર રહેલા મુડી બાપુએ દુમાડચોકડી પાસે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે અડીંગો જમાવી હુમલો કરતા સમા પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.