દુબઇ : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (૬૮)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-૧૩ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે ૫ વિકેટે વિજય મેળવ્યો છે. દિલ્હીએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ ૧૮.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યું છે. બીજી તરફ પ્રથમ વખત ટાઇટલ જીતવાનું દિલ્હીનું સપનું રોળાઇ ગયું છે. 

 ૧૫૭ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. ૪૫ રન પર મુબઈની પ્રથમ વિકેટ પડી હતી. ૧૨ બોલમાં ૨૦ રન બનાવી ડિકોક સ્ટોઈનિસની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ૧૧મી ઓવરમાં મુંબઈની ૯૦ રને બીજી વિકેટ પડી હતી. ૧૯ રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો. ૧૧ ઓવરના પાંચમાં બોલ પર સૂર્યકુમારે ના પાડી હોવા છતાં રોહિત રન માટે દોડી નોનસ્ટ્રાઈક પર પહોંચી ગયો, રોહિતને બચાવવા માટે સૂર્યકુમાર ક્રિઝ બહાર નિકળી ગયો હતો અને રન આઉટ થયો હતો. 

પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના નુકસાને ૧૫૬ રન બનાવ્યા છે. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બોલ પર જ વિકેટ પડી હતી. ગત મેચમાં સારુ પ્રદર્શન કરનાર સ્ટોઈનિસ શૂન્ય રને આઉટ થયો હતો. બોલ્ટે મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્રીજી ઓવરમાં દિલ્હીની બીજી વિકેટ પડી હતી. રહાણે બોલ્ટની ઓવરમાં ૨ રને આઉટ થયો હતો.

આ સીઝનમાં દિલ્હી વતિ સૌથી વધારે ૬૧૮ રન બનાવનાર ધવન ફાઈનલમાં ફેઈલ રહ્યો હતો. તે માત્ર ૧૫ રન બનાવી આઉટ થયો હતો. ધવન જયંત યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ સીઝનમાં સૌથી વધારે રન બનાવવામાં કેએલ રાહુલ ૬૭૦ રન સાથે ટોપ પર અને ધવન બીજા નંબરે છે.

૨૨ રનમાં ત્રણ વિકેટ પડ્યા પછી શ્રેયસ અય્યર અને પંતે દિલ્હીની ઈનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે ૯૬ રનની ભાગીદારી થઈ હતી. ૩૮ બોલમાં ૨ છગ્ગા અને ૪ ચોગ્ગાની મદદથી ૫૬ રન બનાવી પંત આઉટ થયો હતો. આ સીઝનમાં પંતની આ પ્રથમ ફિફ્ટી હતી. નાથન કૂલ્ટર-નાઈલે તેની વિકેટ લીધી હતી. આ સીઝનમાં અય્યરે ૧૬મી ફિફ્ટી ફટકારી હતી. લડાયક બેટિંગ કરી તે ટીમને સન્માનજનક સ્કોર પર લઈ ગયો હતો. તે ૫૦ બોલમાં ૨ છગ્ગા અને ૬ ચોગ્ગાની મદદથી ૬૫ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ૨૦મી ઓવરના અંતિમ બોલ પર રબાડા શૂન્ય રને રન આઉટ થયો હતો. મુંબઈ વતી બોલ્ટે ૩ વિકેટ, નાથન કૂલ્ટર-નાઈલ ૨ વિકેટ અને યાદવે ૧ વિકેટ લીધી હતી.