ગાંધીનગર-

ગુજરાત ૩.૫ ટકાના સૌથી ઓછી બેરોજગારી દર સાથે દેશમાં રોજગારી આપવામાં મોખરે છે. આ ઉપરાંત તાજેતરના બજેટમાં નોકરીની જાહેરાતો કરાઈ હતી. પણ લાગે છે કે રાજ્ય સરકારના આ દાવા પોકળ સાબિત કરવા માટે ગૃહમાં રજૂ કરાયેલા બેરોજગારીની આંકડા પૂરતા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાના સત્રમાં જે આંકડા આપવામા આવ્યા છે તે ચોંકાવનારા છે. રાજ્યમાં આજે પણ લાખો યુવાનો આજે પણ શિક્ષિત બેરોજગાર છે.

 કોગ્રસના ધારાસભ્યોએ પુછેલા સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં આંકડા અનુસાર, રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨,૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં માત્ર ૧૭૭૭ બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને ૧૫ જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે.

સરકાર ભલે ઓન પેપર બેરોજગારીનો આંકડો દર્શાવતી હોય, પણ હકીકત તો એ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં અનેક વિભાગોમાં સરકારી ભરતી અટકી છે. પરીક્ષાના વિવાદ તથા પરીક્ષામાં અનિયમિતતાને કારણે આ ભરતી અટકી પડી છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં એકપણ વ્યક્તિને સરકારી રોજગારી આપવામાં આવી નથી. શિક્ષિત બેરોજગારોની સંખ્યા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૩૦ હજાર ૧૯૨ છે.